Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરતના બામરોલીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા આધેડનું કમકમાટીભર્યું મોત

સુરતના બામરોલીમાં એક આધેડ ત્રીજા માળેથી નીચે પટકાતાં મોતને ભેટ્યાં છે. બામરોલી રોડ સ્થિત મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાડીનું પોટલું નીચે ફેકવા જતા આધેડ ત્રીજા માળેની નીચે પટકાયા હતા. તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બમરોલી સ્થિત પંચશીલ નગરમાં રહેતા 49 વર્ષીય મનોજભાઈ રાધેશ્યામ શુક્લા એમ્બ્રોડરી સાડીના ધાગા કટિંગનું કામ કરતા હતા. તેઓ કારખાનેથી ઘરે સાડીઓ લાવી ધાગા કટિંગ કરી કારખાને આપીને આવતા હતા. 5 ડિસેમ્બરના રોજ બમરોલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં ત્રીજા માળેથી સાડીનું પોટલુ નીચે ફેકવા જતા તેઓનું સંતુંલન ખોરવાયું હતું અને તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. તેઓ નીચે પટકાતા માથા તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે મૃતક મનોજભાઈ શુક્લા ત્રીજા માળેથી નીચે પોટલા ફેંકી રહ્યા છે. આ દરમિયાન નીચે એક મહિલા પણ ઉભી હતી તેઓને સાઈડ પર ખસી જવા તેઓએ જણાવ્યું હતું. આ દરમિયાન પોટલું ફેકતી વેળાએ તેઓએ સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.મૃતક મનોજભાઈ મૂળ ઉતર પ્રદેશના વતની હતા તેઓને બે સંતાન છે. તેઓના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)