Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરતના ભાજપના વોર્ડ પ્રમુખ મનોજ શુક્લાનું ત્રીજા માળેથી પટકાતા મોત

-- સુરતના ઉધના બમરોલી વિસ્તારમાં ઘટના : ફેક્ટરીમાંથી જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતો હતો. ત્રીજા માળેથી પોટલું ફેંકતા બેલેન્સ ગુમાવ્યું

સુરતના ભાજપના વોર્ડ પ્રમુખ મનોજ શુક્લાનું ત્રીજા માળેથી પટકાતા મોત થયું છે. આ ઘટના સુરતના ઉધના બમરોલી વિસ્તારમાં બની છે. મનોજ શુક્લા રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે ફેક્ટરીમાંથી જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતો હતો. ત્રીજા માળેથી પોટલું ફેંકતા બેલેન્સ ગુમાવ્યું હતું, અને તે પોતે પણ નીચે એક પટકાતા મોત નીપજ્યું હતું. મોતના આ લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. બીજી તરફ મનોજ શુક્લાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

મનોજ શુક્લા ઉધના બમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલ નગર સોસાયટીમાં રહે છે. મૂળ ઉત્તરપ્રદેશના મનોજ શુક્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. ફેક્ટરીમાંથી તેઓ જોબવર્ક માટે પોટલા લઈ જતા હોય છે. જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે. ફેક્ટરી ઉપર પહોંચી ત્રીજા માળેથી વારંવાર નીચે આવું ન પડે તેના માટે ત્રીજા માળે બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકતા હતા. એકાએક જ તેમનું બેલેન્સ જતા તેઓ પોટલાની સાથે જ નીચે પડતા હતા. જેથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

મનોજ શુક્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ હતા. તેઓ હાલ વોર્ડ નંબર 23 ઉધના- બમરોલીમાં બુથ પ્રમુખ હતા. તેઓએ પોતાની રિક્ષા નીચે ઉભી રાખી હતી. નીચે આસપાસ માંથી કચરો લેતી મહિલા પણ ઉભી હતી. તેમણે મહિલાને દૂર ઊભી રહેવા માટે કહ્યું હતું. મહિલા થોડા સમય માટે તેમની વાત માનીને દૂર ઊભી રહી હતી.

મનોજ શુક્લા એક બાદ એક પોટલા નીચે ફેંકવાના શરૂ કર્યા હતા. પોટલાની સાથે તેમણે અચાનક જ પોતાનું શરીર પણ બારીને બહાર વધુ પડતું નાખી દેતા બેલેન્સ ગુમાવ્યું હતું. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, તેઓ નીચે ત્રીજા માળેથી પટકાયા હતા. નીચે અન્ય એક ફેક્ટરીનો ઉભેલો યુવાન પણ મનોજ શુક્લાને નીચે પડતા જોતા દોડી આવ્યો હતો.

મનોજ શુક્લા જે પ્રકારે ત્રીજા માળેથી ફટકાયા હતા. તે જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે, તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઈજા થતા તેમને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મનોજ શુક્લા નિયમિત રીતે આ પ્રકારનું કામ કરતા હતા. પરંતુ એકાએક બનેલી ઘટનાને કારણે તેમના પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા.

(9:10 pm IST)