Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરતના ખટોદરામાં કાપડના શોરૂમમાં ભયંકર આગ ભભૂકી : ફાયરના લાશ્કરોએ લોકરમાં મુકેલી લાખોની રોકડ બચાવી

 આગ લાગવાને કારણે કાપડને મોટું નુકશાન: ફાયરના જવાનોએ ટોર્ચ – બેટરીના અજવાળે રૂપિયાના બંડલ સાવચેતી પૂર્વક થેલીમાં મુક્યા :સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ: કામગીરીની ચોતરફથી પ્રશંસા

સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડના શોરૂમમાં આગ ભભૂકી હતી આગમાં કાપડનું મોટું નુકશાન જવા પામ્યું છે.આશ્ચર્યની વાત એ બની કે, આગ ઓલવતા ફાયરના લાશ્કરોએ સાવચેતી પુર્વક શો રૂમના લોકરમાં મુકેલી રોકડ રકમ બચાવી લીધી હતી. ફાયરના જવાનોએ ટોર્ચ – બેટરીના અજવાળે રૂપિયાના બંડલ સાવચેતી પૂર્વક થેલીમાં મુક્યા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો સામે આવતા ફાયરના જવાનોની કામગીરીની ચોતરફથી પ્રશંસા કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગના જવાનો અનેક પડકારો સામે પોતાની ફરજ બજાવતા હોય છે. કેટલીક વખત અત્યંત વિકટ પરિસ્થિતીમાં પણ તેઓ સૌને આશ્ચર્યમાં મુકે તેવું કામ કરતા હોય છે. આવી જ એક ઘટના આજે સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડનો શોરૂમ આવેલો છે. આજે કાપડના શોરૂમમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન શો રૂમના લોકરમાં લાખોની રોકડ હોવાનું ફાયરના જવાનોના ધ્યાને આવ્યું હતું. ફાયરના જવાનોએ આગ ઓલવવાની કામગીરી ચાલુ રાખીને પાણી અથવા આગના સંપર્કમાં રોકડ ન આવે તે રીતે બંડલો જુદા કરી દીધા હતા. અને અંધારામાં એક પછી એક ટોર્ચ લાઇટના સહારે રોકડાના બંડલને થેલીમાં મુકવામાં આવ્યા હતા.

(9:17 pm IST)