Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં લાગી ભીષણ આગ ભભૂકી

અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા કર્મચારીઓમાં દોડધામ:ચાર ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં મંગળવારે સવારે અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ચાર ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

કનેરાવ ગામે 140 એકરમાં 32 વર્ષથી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ (કેમિકલ્સ) ધમધમે છે. કંપની ઓલિયો કેમિકલ્સ સહિતની મદદથી પ્લાન્ટમાં ફેટી એસિડ્સ, ગ્લિસરીન, ફેટી આલ્કોહોલ્સ અને સર્ફેક્ટન્ટ્સ જેવા કે સોડિયમ લૌરીલ સલ્ફેટ, સોડિયમ લૌરીલ ઈથર સલ્ફેટ અને આલ્ફા ઓલેફિન સલ્ફોનેટનું ઉત્પાદન કરે છે.

આજે મંગળવારે કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે સફેદ ધુમાડા સાથે આગે દેખાડેતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.

ઘટનાંની જાણ પોલીસ, ફાયર ફાઈટરો અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઝઘડિયા, ડીપીએમસી, યુપીએલ અને કંપનીની આંતરિક ફાયર સિસ્ટમની મદદથી એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં વાઈપ ફિલ્મ ડ્રાયરમાં આગ લાગી હોવાની વિગતો બહાર આવી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે અંગે સેફટી વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

(9:23 pm IST)