Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

25 માસથી માત્ર મા નર્મદાનું પાણી પીને નદીના રક્ષણ માટે લડતા સંત દાદા ગુરુની યાત્રા દેડિયાપાડાનાં કણજી ગામે આવી પહોંચી

 3200 કિમીની પદયાત્રામાં જોડાતા સેંકડો ભક્તો નર્મદા કિનારે વૃક્ષારોપણ કરી નર્મદામાં કોઈ ગંદકી નહીં ભળવા દેવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઈશ્વરે મા નર્મદારૂપે આપણને કેટલી મહાન ભેટ આપી છે અને તેનું સંરક્ષણ શા માટે જરૂરી છે તે સમજાવવા માટે સમર્થ સદગુરુ (દાદા ગુરુ)ની પદયાત્રા ગુજરાત આવી પહોંચી છે. મા નર્મદાના પાણીમાં ભળતા ગામો-શહેરોનાં ગંદા નાળાં, કારખાનાઓના ઝેરીલા રસાયણ, કાંઠાનું ધોવાણ અને અતિક્રમણ કરી થઈ રહેલા કોંક્રિટના બાંધકામોથી માતાના અવિરત પ્રવાહને બચાવવા દાદા ગુરુ છેલ્લા 25 મહિનાથી માત્ર નર્મદા માતાનું પાણી પીને સત્યાગ્રહ કરી રહ્યા છે.

  અનાજનો દાણો લીધા વિના તેઓ આપણા જેટલા જ તંદુરસ્ત છે અને બાળકની જેમ દોડે છે. તેમનો આ અન્ન વિનાનો સત્યાગ્રહ વિજ્ઞાન માટે પડકાર છે અને આપણા માટે ઉદાહરણ બની ગયો છે કે, મા નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિ છે. કુદરત સાથે થઈ રહેલી છેડછાડ, નદીઓમાં થઈ રહેલી ગંદકી, કેમિકલ અને જંતુનાશકોથી થતી ખેતી અને નદીઓનાં સંરક્ષણ માટે તેમણે આ મુશ્કેલ વ્રત લીધું છે. આમલોકો સુધી પોતાનો મેસેજ પહોંચાડવા માટે તેમણે મા નર્મદાની અનેકવાર પરિક્રમા કરી ચુક્યા છે, પરંતુ આ વખતે તેમણે નર્મદા કિનારે વસેલા દરેક ગામ સુધી આ મેસેજ પહોંચવાનું બીડું ઝડપ્યું છે.

 તેમની પગપાળા પરિક્રમા 8 નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થઈ હતી જે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કણજી ગામે આવી પહોંચી છે. આ યાત્રા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાંથી થઈને જ્યાં મા નર્મદા સમુદ્રને મળે છે તે ઉદગમ સ્થળ અમરકંટક થઈ ઓમકારેશ્વર પરત ફરશે. 3200 કિ.મી.ની આ યાત્રામાં તેઓ જ્યાં પણ પહોંચી રહ્યા છે ત્યાં નર્મદાના કિનારે વૃક્ષારોપણ કરી જનજાગૃતિ ફેલાવી રહ્યા છે કે, બંને કિનારે 300-300 મીટર સુધી વૃક્ષો વાવીએ તો પણ માતાની મોટી સેવા લેખાશે. તેમના આ મિશનમાં સેંકડો લોકો જોડાઈ રહ્યા છે અને સ્વેચ્છાએ નર્મદા કિનારે વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. દાદા ગુરુના પ્રવચન અને ઉપદેશો કોઈપણ ધર્મ અને વિચારધારાને બદલે પ્રકૃતિ બાબતે હોય છે.

  તેમનું કહેવું છે કે, આપણે પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કાયદા તો બનાવ્યા છે, પરંતુ તેમનું પાલન જે રીતે થવું જોઈએ તે થઈ રહ્યું નથી. આજે પણ ઘણા વિસ્તારોમાં ગેરકાયદે રેતીખનનથી નર્મદા અને તેની સહાયક નદીઓનો પ્રવાહ પ્રભાવિત થઈ રહ્યો છે. કાંઠાના 300 મીટરના વિસ્તારમાં કોઈ બાંધકામ થઈ ન શકે તે માટે દાદા ગુરુએ કોર્ટમાં કેસ પણ કર્યો હતો, જેમાં કોર્ટના હુકમ બાદ મધ્યપ્રદેશ સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, મા નર્મદાના કિનારે 300 મીટર સુધી કોઈ પણ પ્રકારનું પાકું બાંધકામ કરી શકાશે નહીં. ગુજરાતના પ્રવાસ પ્રભારી શૈલેષ ભાઈએ જણાવ્યું કે, ગુજરાતમાં પણ નર્મદા માતાના રક્ષણ માટે આવા પ્રયાસોની ખૂબ જ જરૂર છે. આ પ્રવાસમાં જોડાવા માટે તમે નર્મદા મિશનના 8989112999, 7389071008 પર સંપર્ક કરી શકો છો

(10:05 pm IST)