Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ચૂંટણી પરિણામ પહેલા ભાજપ ઉત્સાહિત : "કમલમ" કાર્યાલય સાથે રાજ્યભરના જિલ્લા અને સ્થાનિક સ્તરે ઉજવણીની તૈયારી

'કમલમ' ઉજવણીનું મુખ્ય કેન્દ્ર હશે. ઢોલ-નગારા સાથે આતશબાજીનો પણ કાર્યક્રમ:મીઠાઈના ઓર્ડર પણ મોટા પાયે આપી દેવાયા : લોક કલાકારોને પણ બોલાવી લેવાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ એગ્ઝીટ પોલના સકારાત્મક પરિણામો જોઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.

પાર્ટી હવે વિશેષ તૈયારી પણ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠન મંત્રી પ્રદીપ વાઘેલાએ જણાવ્યું કે, સ્થાનિક સ્તરે અમે મતગણતરીથી લઈને તમામ પ્રકારની તૈયારી માટે કાર્યકરોનું વિશેષ સત્ર શરૂ કર્યું છે.

પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે બે દિવસના વિશેષ સત્રમાં દરેક વિધાનસભામાંથી ત્રણથી ચાર કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે. તેમને ખાસ કરીને મતગણતરી દરમિયાન કેવી રીતે સતર્ક રહેવું તેની તાલીમ આપવામાં આવી રહી છે. અહીંથી ટ્રેનિંગ લીધા બાદ કાર્યકર્તાઓ તેમના વિધાનસભા મતવિસ્તારમાં જશે જ્યાં એક અલગ ટીમ બનાવવામાં આવશે અને અહીંથી પ્રશિક્ષિત કાર્યકરો પ્રદેશ સ્તરે લોકોને તાલીમ આપશે.
પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. તેમનું કહેવું છે કે આ વખતે પણ એગ્ઝીટ પોલના પરિણામો એ વાત તરફ ઈશારો કરી રહ્યા છે કે સત્તાની ટોચ પર માત્ર ભાજપ જ રહેશે. આ અંગે પાર્ટી કાર્યાલયમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ભાજપના "કમલમ" કાર્યાલયની સાથે રાજ્યભરમાં જિલ્લા અને સ્થાનિક સ્તરે મોટી ઉજવણીમાં તૈયારીઓ ચાલી રહી છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર 'કમલમ' ઉજવણીનું મુખ્ય કેન્દ્ર હશે. ઢોલ-નગારા સાથે આતશબાજીનો પણ કાર્યક્રમ છે. અત્યારથી જ મીઠાઈના ઓર્ડર પણ મોટા પાયે આપી દેવામાં આવી ગયા છે. લોક કલાકારોનું અત્યારથી બોલાવી દેવામાં આવ્યા છે.

બીજા તબક્કાના મતદાન બાદ ઘણી ન્યૂઝ ચેનલોએ એગ્ઝીટ પોલ જાહેર કર્યા છે. આ એગ્ઝીટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી સત્તામાં આવી રહી છે. પાર્ટીને અગાઉની તમામ જીત કરતાં મોટી જીત મળવાનું આકલન આ એગ્ઝીટ પોલમાં દેખાઈ રહ્યું છે. TV9 નેટવર્કના એક્ઝિટ પોલ અનુસાર 182માંથી ભાજપ 125થી 130 સીટો જીતી શકે છે. કોંગ્રેસને માત્ર 40 થી 50 બેઠકો તેમજ આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યો છે.

(10:50 pm IST)