Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી હરિયાણાથી ઝડપાયો

એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી દયારામને વલસાડ એસોજી પોલીસે ઝડપી પાડયો :મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના કારોબાર સાથે જોડાયેલો હતો.

 

વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે હરિયાણાથી ઝડપાયો છે.  એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી દયારામને વલસાડ એસોજી પોલીસે ઝડપી પાડયો છે. 

વાપી જીઆઇડીસી પોલીસ ચોપડે છેલ્લા ત્રણ દાયકાથી આ ફરાર હતો. દયારામ પર જૂન 1992 માં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના કારોબાર સાથે જોડાયેલો હતો. 

 વાપી જીઆઇડીસી પોલીસે વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં એક રેડ પાડી હતી અને આ એક ખોલીમાં છાપા દરમિયાન છોટેલાલ નામનો 10 તોલા અફીણ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલ આરોપી છોટેલાલ જે તે વખતે આ અફીણ તેના પિતરાઈ ભાઈ દયારામ પાસેથી ખરીદ્યો હતો તેવું જણાવ્યું હતું. જેથી વાપી જીઆઇડીસી પોલીસ જિલ્લા 31 વર્ષથી આરોપી દયારામને ઝડપવા અનેકવાર મધ્યપ્રદેશ ગઈ હતી પરંતુ આરોપી લાંબા સમય સુધી પોલીસને ચકમો આપવામાં ફરાર થયો હતો.

અંતે વલસાડ એસોજીની ટીમે આરોપી દયારામને હરિયાણાથી ઝડપી પાડ્યો છે.  ઝડપાયેલો આરોપી દયારામ છેલ્લા 31 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો.  પોતાના પરિવારને છોડીને દયારામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ અને છેલ્લે 12 વર્ષથી હરિયાણાની એક કંપનીમાં કામ કરતો હતો.  જોકે વલસાડ એસઓજીની ટીમે લાંબી જહેમત બાદ અંતે આરોપીને ઝડપી પાડ્યો છે.

(1:03 am IST)