News of Tuesday, 7th February 2023
અમદાવાદ : રાજ્ય અને દેશની શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE મેઈન્સ પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેઈઈ મેઈન જાન્યુઆરી સત્રની પરીક્ષામાં કુલ 8.6 લાખ વિદ્યાર્થીઓએ બી.ટેક. માટે અરજી કરી હતી. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સંપૂર્ણ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. દેશભરમાં માત્ર 20 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ સફળતા મળી છે.
દેશની ટોપ 12 એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE નું જાન્યુઆરી સત્રનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ બાજી મારી છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીય નામના વિદ્યાર્થીએ જેટલા માર્ક્સની પરીક્ષા હતી, એટલા માર્ક મેળવ્યાં છે. કુલ 300 માર્કની આ પરીક્ષા હતી જેમાં કૌશલે પૂરેપૂરા 300 માર્ક પ્રાપ્ત કર્યા છે. તો અમદાવાદ ALLEN ના હર્ષલ સુથારે ગણિત અને ભૌતિક શાસ્ત્ર એમ બે વિષયમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
આઠ વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ચાર વિદ્યાર્થીઓએ ગણિતમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે અને બે વિદ્યાર્થીઓએ રસાયણશાસ્ત્રમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. રાજ્યની અને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે JEE મેઇન્સ પરીક્ષા યોજાતી હોય છે. મેઇન્સ બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓને IIT, NIT માં પ્રવેશ મળે છે.
ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર JEE મેન્સની પરીક્ષા યોજાય છે. આ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું સારું પરિણામ હોય એ પરિણામ માન્ય રાખવામાં આવે છે અને એના આધારે એડમિશન મળતું હોય છે. કૌશલ વિજયવર્ગીય એ વાત કરતા જણાવ્યું કે હું ધોરણ 9 થી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી JEE માટે તૈયારી કરી રહ્યો હતો. હવે મારું ફોકસ JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા ટોપ 50 રેન્કમાં આવવાના ગોલ સાથે તૈયારી કરી રહ્યો છું. હું કોમ્પ્યુટર સાયન્સ કરવા માગું છું.