Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

છેડતીના કેસમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને હાઇકોર્ટની રાહત :17મી સુધી ધરપકડ પર રોક

આગોતરા જામીન માટે અરજી કરતા હાઈકોર્ટે સુનાવણી કરતા સિરોહી DSPને નોટિસ ઈશ્યુ કરી 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ ન કરવા હુકમ કર્યો

અમદાવાદ :રાજ્યના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે આગોતરા જામીન માટે કરેલી અરજી મામલે તેમને આંશિક રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે સિરોહી DSPને નોટિસ ઈશ્યુ કરી છે. 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. પોલીસ પકડથી બચવા ગજેન્દ્રસિંહે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમા તેમણે પોલીસ તપાસમાં સાથ સહકાર આપવાની બાંહેધરી આપી હતી. પોક્સો એક્ટ હેઠળ ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. છેડતીની ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. કિશોરી સાથે છેડતી કરવાના આરોપમાં બંને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઈ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા.

(11:41 pm IST)