Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

રાજયમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટરને મંજૂરી અપાઈ : માર્ચ 2023 સુધીમાં કાર્યરત કરાશે: પ્રવક્તા મંત્રી

અમદાવાદ :વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેશ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

  મંત્રીએ ઉમેર્યું કે, આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષપણામાં  કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2021ના રોજ વાહન સ્ક્રેપીંગ પોલીસી લાગુ કરાવવામાં આવી હતી. આ પોલીસીથી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. તદુપરાંત આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે

(8:12 pm IST)