Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વડોદરા જિલ્લામાં તા.૧૦ ફેબ્રુઆરી થી તા.૧૭ ફેબ્રુઆરી દરમ્યાન રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહની ઉજવણી કરાશે

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળીઓનું સેવન કરાવવામાં આવશે

વડોદરા:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા. ૧૦-ફેબ્રુઆરી થી તા.૧૭- ફેબ્રુઆરી-૨૦૨૩ દરમ્યાન રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

 

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણી અગાઉ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાના માઇક્રોપ્લાન અને આયોજન માટે વડોદરા જિલ્લા આરોગ્ય શાખા ખાતે આંતરવિભાગીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપમાં આરોગ્ય વિભાગ,આઇ.સી.ડી.એસ. વિભાગ અને શિક્ષણ વિભાગના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને તાલુકા કક્ષાના સુપરવાઇઝરો હાજર રહ્યા હતા.

 આ વર્કશોપમાં કૃમિના કારણે આરોગ્ય અને પોષણ સંબધિત સમસ્યાઓ અંગે સમજણ આપવામાં આવી હતી.

 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોની યાદી ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આંગણવાડી કાર્યકર અને આશાના સહયોગથી બનાવી તા. ૧૦-ફેબ્રુઆરી થી ૧૭- ફેબ્રુઆરી-૨૦૨૩ દરમ્યાન જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળીઓ મળી રહે તે અંગેનું અસરકારક આયોજન કરવામાં આવ્યું છે.

 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણીમાં જિલ્લાની કામગીરી સો ટકા પૂર્ણ થાય તે માટે આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના વાલીઓને સમજણ આપવા ગ્રામ્ય સ્તરે આરોગ્ય કાર્યકરો, આંગણવાડી કાર્યકરો,શિક્ષકો તેમજ આશા બહેનો દ્વારા આરોગ્ય શિક્ષણ સાથે  પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામાં આવી રહી છે.

  લાભાન્વિત થનાર  બાળકો આલ્બેન્ડાઝોલ ગોળીઓ લે તે જોવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિનાક્ષીબેન ચૌહાણે વાલીઓને ખાસ અનુરોધ કર્યો છે.

(8:51 pm IST)