Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ સાથે શરુ: અન્ય સેવાઓ બંધ કરાઈ

શહેરમાં વધતા કોરોના કેસને પગલે મનપા દ્વારા મોટો નિર્ણય

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. રાજ્યના ચાર મહાનગરોમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પણ કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેને લઇ અમદાવાદા મનપા હરકતમાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને પગલે મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ સાથે શરુ કરવામાં આવી છે. આ હોસ્પીટલમાં હાલ પુરતી અન્ય સેવાઓ બંધ કરવામાં આવી છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને મનપા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ કોરોના કેસમાં ઘટાડો નોધાતા અન્ય સેવાઓ શરૂ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે સરકારને ટકોર કરવાની ફરજ પડી છે.

ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. તો સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. તો સાથે રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું જણાવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

 

(9:44 pm IST)