Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વર્કશોપ યોજાયો

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા વિરમગામ ખાતે વિશ્વ આરોગ્ય દિવસે સપ્તધારાના સાધકોને સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વર્કશોપ યોજાયો હતો. તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સપ્તધારાના સાધકો સહિતના આરોગ્ય કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, બિપીન પટેલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  
 અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારે જણાવ્યુ હતુ કે,  વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૫૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે અને ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુને ભેટે છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય,ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી,  કેન્સર , દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી , શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.

(4:43 pm IST)