Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતમાં હિટ એન્ડ રન કેસના ભાગેડુ આરોપી અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા

અચાનક અતુલ વેકરિયા ઉમરા પોલીસ મથકે હાજર થતાં તેના રિમાન્ડ મેળવવા તજવીજ

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં હિટ એન્ડ રનથી યુવતીનું મોત નીપજાવનાર ભાગેડુ આરોપી અતુલ વેકરિયા આજે ઉમરા પોલીસ સમક્ષ હાજર થયા છે . અતુલ વેકરિયા અગાઉ જામીન પર છૂટ્યા ફરાર થયેલ જોકે  બાદ વધુ કલમો ઉમેરાતા આજે તે પોલીસ સ્ટેશનમાં હાજર થયા  છે. આ અકસ્માત કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠતા હાલ સેક્ટર-1ના એડીસીપીને તપાસ સોંપવામાં આવી છે

  આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 26 માર્ચની રાત્રે વેસુમાં અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરીયાએ દારુના નશામાં કાર હંકારી બે સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉર્વશી નામની યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું

  આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે કલમ 304 (અ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે આરોપી અતુલ વેકરિયાને જામીન મળી જતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે બાદમાં પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 304 લગાવીને તેના જામીન રદ્દ કરાવ્યા હતા. જે બાદ પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી. અતુલ વેકરિયાના ફરાર થયાના એક સપ્તાહ વીતવા છતાં તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તેની શોધખોળ માટે અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા, પરંતુ તેની કોઈ ભાળ મળી નહતી.

આરોપી અતુલ વેકરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માંગતા કોર્ટે 9 મેંના રોજ સુનાવણીની તારીખ નક્કી કરી હતી. આ દરમિયાન આજે અચાનક અતુલ વેકરિયા ઉમરા પોલીસ મથકે હાજર થતાં તેના રિમાન્ડ મેળવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

(4:50 pm IST)