Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાની પ્રવર્તમાન સ્‍થિતિને પગલે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં એક મહિનો સાંજની ઓપીડી બંધઃ મુખ્‍યમંત્રીના મુખ્‍ય સચિવ કે. કૈલાસનાથનની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠકમાં નિર્ણય

ગાંધીનગર: કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે ગંભીર ચિંતા કરી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોર કમિટીની બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દ્વારા સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી લેવામાં આવી હતી.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આગોતરા આયોજનના ભાગરૂપે દર્દીઓની જન સુખાકારી માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના માટે તબીબો સાથે સમૂહમાં ચર્ચા કરીને વિચારણાં બાદ આ નિર્ણય હાથ ધરવામાં આવ્યા હતા.

સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર વિનીત મિશ્રા,બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહ, જે-તે વિભાગના વડા,સહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

(5:17 pm IST)