Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના કહેર વચ્‍ચે ગુજરાત રાજ્‍યમાં છેલ્લા 4 દિવસમાં પોલીસે માસ્‍ક નહીં પહેરનારા પાસેથી 2.66 કરોડનો દંડ વસુલ્‍યો

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાર દિવસમાં ગુજરાત પોલીસ દ્વારા માસ્ક ના પહેરનારાઓ પાસેથી 2.66 કરોડ રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસે વસુલ કર્યા કરોડો

ગુજરાત પોલીસે ચાર દિવસમાં માસ્ક ના પહેરતા અને જાહેર સ્થળોએ થૂંકતા લોકો પાસેથી 2.66 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

માસ્ક નહી પહેરો તો 1000 રૂપિયા થશે દંડ

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓને ગુજરાતમાં માસ્ક ના પહેરનારા લોકો પાસેથી દંડની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આશિષ ભાટિયાએ કહ્યુ હતુ કે, માસ્ક પહેર્યો હોય પણ માસ્ક નાકથી નીચે હોય તથા મોં-નાક ના ઢંકાતા હોય તો પણ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે જેથી લોકોમાં જાગૃતિ આવે.

પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યુ કે, આ નિયમનો ભંગ કરનાર કોઇ પણ વ્યક્તિ સામે નરમાશથી વર્તવામાં નહી આવે. કોરોનાના કેસને રોકવા અને તેના ચેપને અટકાવવા નાગરિકોની રક્ષા માટે માસ્ક જરૂરી છે.

અમદાવાદ શહેરમાં પણ 50 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં હવેથી જે પણ પોલીસકર્મી માસ્ક વિના ફરતા દેખાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટેની સૂચના અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે.

CM રૂપાણીએ પણ માસ્કને લઇને કરી હતી અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અપીલ કરતા કહ્યુ કે, હાલ આ માસ્ક અને વેક્સિન એ બે જ ઇલાજ આપણી પાસે ઉપલબ્ધ છે. સાથે સાથે નાગરિકોને સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂર વગર ઘરની બહાર નહી નીકળવા અને જાહેર જગ્યાએ વધુ પડતા એકઠા નહી થવા પણ અપીલ કરી છે. CM રૂપાણીએ કહ્યુ કે માસ્ક પહેરનારા 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે.

(5:18 pm IST)