Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

દહેગામ તાલુકાના કમાલબંધમાં શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 3.67 લાખની મતાની તસ્કરી કરી છનનન......

ગાંધીનગર:જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે દહેગામના કમાલબંધ વાસણા ગામે રહેતા શિક્ષક મકાન બંધ કરીને સાસરીમાં ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનમાં પ્રવેશ કરીને સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૩.૬૭ લાખની મત્તા ચોરી લીધી હતી. જે સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ આદરી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહયા છે ત્યારે દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે રહેતા અને મોતીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં કાંતિભાઈ ધુળાભાઈ ડાભીના ઘરે તસ્કરોએ હાથ સાફ કર્યાની ઘટના બનવા પામી છે. ગઈકાલે રાત્રીના સમયે કાંતિભાઈ તેમનું મકાન બંધ કરીને પત્નિ સાથે સાસરી સીંગરવા ગામે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના ઘરે હાથસાફ કર્યો હતો. રાત્રે અઢી વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે મકાનની તિજોરી ખુલ્લી હતી અને સામાન અસ્તવ્યસ્ત હતો. તિજોરીમાં મુકેલા રોકડા એક લાખ રૃપિયા અને સોનાચાંદીના દાગીના મળી ૩.૬૭ લાખની મત્તાની ચોરી થઈ હતી. જેથી આ મામલે તેમણે દહેગામ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેની ફરીયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. રાત્રીના સમયે જ થોડા જ કલાકોમાં થયેલી ચોરી સંબંધે પોલીસને આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા પણ લાગી રહી છે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

(5:56 pm IST)