Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સુરતમાં મિકોરમાઇકોસિસના ૮ દર્દીની આંખ કાઢવી પડી

સુરત : કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત દર્દી સ્વસ્થ થયા બાદ એક નવી બીમારીનો શિકાર બની રહ્યા છે, જેને કારણે સમયસર સારવારના મળતા દર્દીઓની આંખો કાઢવી પડે છે, અથવા પછી તેમનું મોત થઇ રહ્યુ છે. આ બીમારીનું નામ મિકોરમાઇકોસિસ છે. સુરતમાં ૧૫ દિવસની અંદર આવા ૪૦થી વધુ કેસ સામે આવ્યા છે જેમાંથી ૮ દર્દીઓની આંખો કાઢવી પડી છે.

મિકોરમાઇકોસિસ એક પ્રકારનું ફંગલ ઇન્ફેકશન છે, જે નાક અને આંખમાં થઇને બ્રેન સુધી પહોચી જાય છે અને દર્દીનું મોત થઇ જાય છે.

કોરોનાની બીજી લહેરમાં તેના કેસ વધુ સામે આવી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી આંખનો દુખાવો. માથાનો દુખાવો વગેરને ઇગ્નોર કરે છે. આ બેદરકારી દર્દીને ભારે પડે છે. શહેરની કિરણ હોસ્પિટલમાં ઇએનટી  ડોકટર શાહ જણાવે છે કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ આ ફંગલ ઇન્ફેકશન પહેલા સાઇનસમાં થાય છે અને ૨થી ૪ દિવસમાં આંખ સુધી પહોચી જાય છે.

તેના ૨૪ કલાકની અંદર બ્રેઇન સુધી પહોચી જાય છે, માટે આંખ કાઢવી પડે છે. સાઇનસ અને આંખ વચ્ચે હાડકુ હોય છે, માટે આંખ સુધી પહોચવામાં બેથી વધુ દિવસ લાગે છે. આંખથી બ્રેન વચ્ચે કોઇ હાડકુ ના હોવાને કારણે આ સીધુ બ્રેનમાં પહોચી જાય છે અને આંખ કાઢવામાં મોડુ થવા પર દર્દીનું મોત થઇ જાય છે.

આ ફંગલ ઇન્ફેકશન સૌથી પહેલા નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો પર એટેક કરે છે. સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાથી પણ બોડી પર ખરાબ અસર પડે છે. એવામાં જો દર્દીને ડાયાબિટિસ છે તો તેને આ બીમારી થવાના ચાન્સ સૌથી વધુ હોય છે. માથામાં અસહ્ય દુખાવો, આંખ લાલ થવી, પાણી પડવુ, આંખની મૂવમેન્ટ ના થવા જેવા લક્ષણ મળે તો તેની સારવાર તુરંત કરાવી લેવી જોઇએ.

સુરતની હોસ્પિટલમાં દાખલ દર્દી મોટાભાગના સૌરાષ્ટ્ર અને રાજયના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે.  કોરોનાથી બચ્યા બાદ આ નવી બીમારી મિકોર માઇકોસિસથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સમયસર સારવાર કરાવી લો. લક્ષણ જોવા મળે તો દર્દીએ તુરંત ડોકટરનો સંપર્ક કરવો જોઇએ અને સમયસર સારવાર શરૂ કરવી જોઇએ.

(4:16 pm IST)