Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગુજરાતમાં કોરોના કેટલો ખતરનાક બન્યો તેનો ચિતાર આપે છે અખબારો : વધી ગયા શ્રધ્ધાંજલિ -અવસાનના પાના

સરકાર કહે છે કેસ ઘટ્યા -મૃત્યુ ઘટ્યાં તો પછી અખબારોમાં શ્રધ્ધાંજલિ -શોકસંદેશ -અવસાન નોંધ કેમ વધી ? : મોટા ભાગના ગુજરાતી અખબારોમાં રોજ પાંચથી છ પાના માઠા સમાચારોના જોવા મળે છે

નવી દિલ્હી,તા. ૭ : ગુજરાતમાં કોરોના મહામારીએ કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેનો ચિતાર રાજયમાં પ્રકાશિત થનારા અખબારો પરથી મળી જાય છે. કોરોનાના કેસ વધતા જાય છે તેમ અખબારોમાં આવતા શોક સંદેશોની સંખ્યા પણ સતત વધતી જાય છે. ગુજરાતના એક અખબારના ભાવનગર સંસ્કરણમાં ગઇ કાલના રોજ ૧૬ પાનાના છાપામાં આઠ પાના શોક સંદેશ અને શ્રદ્ઘાંજલિથી ભરેલા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં પાછલા અમુક દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ છાપામાં આટલી મોટી સંખ્યામાં શોક સંદેશો જોઈને સરકારી આંકડાઓ સામે પ્રશ્નો ઉભા થાય છે. જો બે મહિના પહેલાની વાત કરવામાં આવે તો છ માર્ચના રોજ અહીં માત્ર ૨૮ શોક સંદેશ પ્રકાશિત થયા હતા, જયારે ગઈકાલે ૨૩૬ શોક સંદેશ છપાયા હતા.

જો ગુજરાતના અન્ય એક મુખ્ય અખબારની વાત કરીએ તો તેની રાજકોટ આવૃત્ત્િ।ના બારમાંથી ચાર પાનાં શોક સંદેશ અને શ્રદ્ઘાંજલિથી ભરાયેલા હતા. અમદાવાદથી પ્રસિદ્ઘ થતા ગુજરાતી છાપામાં દરરોજ ઓછામાં ઓછા બે પાનાં બેસણાંની જાહેરખબરથી ભરાયેલા હોય છે. માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા ઘણી વધારે જોવા મળી રહી છે. આ જ કારણસોર, સુરત આવૃત્ત્િ।માં પણ દરરોજ લગભગ દોઢ-બે પાનાં શોકસંદેશાઓથી ભરાયેલા હોય છે.

ગુજરાતના એક મુખ્ય અખબાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ખેડા જિલ્લામાં બુધવારના રોજ કોરોનાને કારણે ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ રાજય સરકાર દ્વારા મૃત્યુઆંક માત્ર બે જણાવવામાં આવ્યો. આ જ પ્રકારે ગાંધીનગરમાં પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અને અખબારોમાં પ્રકાશિત આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી જણાવે છે કે, સરકાર સત્યને છુપાવવા માટે કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ઓછી જણાવી રહી છે.

અત્યાર સુધી હોસ્પિટલોની બહારની લાઈનો, દવાઓની અછત, સ્મશાનની બહાર લાગતી લાઈનો, એમ્બ્યુલન્સ માટે કલાકોની રાહ, વગેરે બાબતો પરથી આપણે કોરોનાની ગંભીરતાને આંકતા હતા. પરંતુ છાપાઓમાં આટલી મોટી સંખ્યામાં શોક સંદેશાઓ અને બેસણાંની જાહેરખબરો જોઈને હજી પણ કોરોનાને ગંભીરતાથી ના લેતા લોકોએ ચેતી જવું જોઈએ. આ પ્રકારની ભયાનક સ્થિતિમાંથી વહેલી તકે બહાર આવી શકાય તે માટે રસીકરણની સાથે સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પણ અત્યંત જરૂરી છે. લોકોને સરકાર તેમજ મેડિકલ તંત્ર દ્વારા સતત સલાહ આપવામાં આવે છે કે માસ્ક પહેરી રાખો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો તેમજ કામ વિના બહાર જવાનું ટાળો.

સરકારી આંકડા અનુસાર, ગુજરાતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૫૪૫ નવા કેસ સામે આવ્યા છે. રાજયમાં કોરોનાના ૧૩,૦૨૧ દર્દીઓને રજા આપવામાં આવી છે અને ૧૨૩ લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં સક્રિય કેસ ૧,૪૭,૫૨૫ છે.

(4:22 pm IST)