Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મારું ગામ કોરોના મુકત ગામ’ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત થયેલા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ જ ઉત્તમ સારવાર આપવાનો મક્કમ નિર્ધાર:ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્ય મંત્રી મંડળના સભ્યો વિવિધ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહી દર્દીઓને અપતી સારવારની સમીક્ષા કરશે: સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખઓ, બોર્ડ-કોર્પોરેશનના ચેરમેનઓ અને રાજકીય આગેવાનોને સોંપાયેલ ગામ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી જવાબદારી નિભાવશે :૧૦ ગામના આગેવાનોની સમિતિ બનાવીને માસ્ક,સેનીટાઇઝેશન અને સોશ્યલ ડીસ્ટન્સીંગ અંગે જન જાગૃતિ કેળવાશે : રાજ્યના ૩૩ જિલ્લાના વિવિધ ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ખાતે ૧ લાખ ર૦ હજાર બેડની સુવિધા ઉપલબ્ધ

અમદાવાદ :ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના સ્થાપના દિન તા.૧લી-મે ના રોજથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત  અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ‘‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’’ અભિયાનનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કોરોનાની સારવાર સત્વરે પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.  આ માટે રાજ્યના મંત્રી મંડળના સભ્યો સહિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, બોર્ડ-કોર્પોરેશનના ચેરમેનઓ અને રાજકીય આગેવાનોને સોંપાયેલ ગામ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી જવાબદારી નિભાવશે.
   મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, મારૂ ગામ કોરોના મુક્ત ગામના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્ય મંત્રી મંડળના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુને જામનગર જિલ્લો, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસાણા અને અમદાવાદ જિલ્લો, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલને ગાંધીનગર અને મહેસાણા જિલ્લો, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને બોટાદ અને મોરબી જિલ્લો, વન મંત્રી ગણપતભાઇ વસાવાને ડાંગ અને તાપી જિલ્લો, અન્ન-નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઇ રાદડીયાને રાજકોટ જિલ્લો, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરને  બનાસકાંઠા અને પાટણ જિલ્લો, સામાજિક અને ન્યાય અધિકારી મંત્રી ઇશ્વરભાઇ પરમારને નવસારી જિલ્લો, પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાને સુરેન્દ્રનગર જિલ્લો, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાને સોમનાથ અને જુનાગઢ જિલ્લાની જવાબદારી સોંપાઇ છે.
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ખેડા જિલ્લો, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લો, કૃષિ રાજ્ય મંત્રી  જયદ્રથસિંહ પરમારને પંચમહાલ અને આણંદ જિલ્લો, સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલને નર્મદા અને ભરૂચ જિલ્લો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરને કચ્છ જિલ્લો, મહિલા - બાળકલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેને સાબરકાંઠા જિલ્લો, વન રાજ્ય મંત્રી રમણભાઇ પાટકરને અરવલ્લી અને વલસાડ જિલ્લો, આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીને સુરત જિલ્લો, શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલને વડોદરા જિલ્લો અને પ્રવાસન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ શ્રી જે-તે જિલ્લાનો પ્રવાસ કરીને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરીને કોરોના મુક્ત ગામડાઓ બને તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને ત્વરિત સારવાર ઉપલબ્ધ થાય તે માટે લોક ભાગીદારી થકી  પંચાયત દીઠ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત થયેલા દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે માટે ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારું ગામ કોરોના મુકત ગામ’ મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રાજ્યના ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.  
ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, આ અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક ગામમાં અવિરત મળતી રહે તે હેતુસર ગાંધીનગરથી વીડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના તમામ જીલ્લા વિકાસ અધિકારીઓ અને સી.ડી.એચ.ઓઓને મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે મુજબની કામગીરી શરૂ કરી દેવાઇ છે. 
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યભરમાં જીલ્લા અને તાલુકા કક્ષાએ ટીમ બનાવી ગામડાઓમાં ‘મારુ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ ૫૧ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલો, ૩૭૩ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૧,૪૭૭ પ્રાથમિક હેલ્થ સેન્ટરો ખાતે જન ભાગીદારી દ્વારા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ સુરપરવિઝન માટે એક ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ છે. જે વહીવટી તંત્ર સાથે સંપૂર્ણ રીતે સહાયરૂપ થઇ આ અભિયાનને સાર્થક બનાવશે. આ કોવિડ કેર સેન્ટરોમાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓ સંદર્ભે સોંપાયેલ જિલ્લાઓની મંત્રીઓ અને પદાધિકારીઓ અવારનવાર મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરશે.  
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ, દવા, પાણી, ભોજન સહીત સ્વસ્થતા સહિતની સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે-તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ આપણે પાર પાડવો છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, કોરોના મુક્ત ગામના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામ્ય સ્તરે કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરમાં જ રહે તો પરિવારના  અન્ય લોકો સંક્રમિત થાય પરંતુ કોવિડ કેર સેન્ટર ખાતે પોતે આઇસોલેશનમાં રહીને સારવાર લે તો ચોક્કસ સંક્રમણને ગ્રામ્ય સ્તરે અટકાવી શકાય. ગ્રામ્ય કક્ષાએ શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય તો તેઓએ તકેદારી સ્વરૂપે આઇસોલેટ કરેવું જોઇએ. આવા જરૂરીયાતમંદોને દવાની સ્ટાન્ડર્ડ કીટ, બી.પી., ઓક્સિજન લેવલની જરૂરી તપાસ થાય અને જરૂર જણાય તો અન્ય હોસ્પિટલમાં લઇ જવા માટેના પ્રયાસો કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે,  ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા ‘મારૂં ગામ – કોરોના મુકત ગામ’ અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ જિલ્લાના ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧ લાખ ર૦ હજાર બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.

(6:48 pm IST)