Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મહિલાકર્મી એક્ટિવા ઉપર રેમડેસિવિયર લઈ વેચવા બેઠી

સુરત પોલીસે સમગ્ર મામલે ભાંડો ફોડ્યો : મહિલા પતિ સાથે મળીને રૂપિયા કમાવવા માટે બ્લેકમાં ઊંચા ભાવે રેમડેસિવિયરના ઈન્જેક્શન વેચતા પકડાયા

સુરત,તા.૭ : એક તરફ કોરોના વાયરસ દર્દીઓને હંફાવી રહ્યો છે ત્યારે બીજી તરફ તેમના સગા હોસ્પિટલ, દવાઓ, ઓક્સિજન વગેરેને લઈને તકલીફ વેઠી રહ્યા છે. આવામાં જરુરી વસ્તુઓની કાળા બજારીએ માઝા મૂકી છે. ગુજરાત સહિત દેશભરમાં રેમડેસિવિયર, ઓક્સિજન વગેરેની કરોડોની કાળા બજારી થતી હોવાનું સામે આવ્યું છે. આવામાં સુરતમાં હોસ્પિટલમાં કામ કરતી મહિલા પતિ સાથે મળીને ઝડપથી રુપિયા કમાવવા માટે બ્લેકમાં ઊંચા ભાવે રેમડેસિવિયરના ઈન્જેક્શન વેચતા પકડાયા છે. સુરતમાં બનેલી ઘટનાની વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચને ઊંચા ભાવે રેમડેસિવિયર ઈન્જેક્શન વેચવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસે નકલી ગ્રાહક બનાવીને રેમડેસિવિયર ઈન્જેક્શનની જરુરિયાત હોવાનું ફોન પર સામે છેડે રહેલા વ્યક્તિને જણાવ્યું. ડમી ગ્રાહકને હિતેશ રેતીવાલા નામના શખ્સ પાસે ૩ ઈન્જેક્શનની જરુર હોવાનું કહ્યું હતું, જેના જવાબમાં હિતેશે એક ઈન્જેક્શન ૧૧,૦૦૦૦ રુપિયામાં પડશે. ડિલ ડન થયા બાદ ઈન્જેક્શન લેવા માટે અડાજણનું એડ્રસ આપવામાં આવ્યું હતું. ડમી ડિલથી અજાણ હિતેશે ગ્રાહકના રુપમાં વાત કરતી પોલીસને કહ્યું કે, અડાજણ પરશુરામ ગાર્ડન પાસે અષ્ટવિનાયક રેસિડેન્સી સામે એક મહિલા બ્લ્યુ એક્ટિવા લઈને મહિલા ઉભી હશે.

          ડમી ગ્રાહકને સાથે રાખીને પોલીસ જણાવવામાં આવેલા એડ્રસ પર પહોંચીતો એક મહિલાએ એક્ટિવામાંથી ત્રણ ઈન્જેક્શન કાઢીને રુપિયાની માગણી કરી હતી, આ સાથે જ પોલીસે મહિલાને રંગેહાથ ઝડપી લીધી હતી. પોલીસે મહિલા પાસેથી ૩૪૧૯ની કિંમતના જુદા-જુદા ત્રણ પ્રકારના રેમડેસિવિયર ઈન્જેક્શનની સાથે મોબાઈલ ફોન અને એક્ટિવા આમ કુલ મળીને ૮૩,૧૪૯ રુપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ કેસમાં અડાજણની માલવીયા હોસ્પિટલમાં કામ કરતી રશ્મિ રેતીવાલા (૩૬) અને તેના પતિ હિતેશ રેતીવાલાની ધરપકડ કરી લીધી હતી. જોકે, હિતેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને સારવાર બાદ તેને પોલીસ ફરી પોતાના કબજામાં લઈ લેશે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ પોતાના સગાને જરુર હોવાનું કારણ રજૂ કરીને રશ્મિ પોતાના નામે ૫ ઈન્જેક્શન મૂળ કિંમતે ખરીદ્યા હતા. જે બાદ પતિ સાથે મળીને આ ઈન્જેક્શન ૧૧,૦૦૦ રુપિયાના ભાવે વેચ્યા હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરુ કરી છે.

(9:03 pm IST)