Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દારૂની મહેફિલ કરવા અંગે ટપારતા સ્થાનિકોને માર માર્યો

સુરતમાં બુટલેગરો આડા ફાટ્યાં : પોલીસને નિયમિત હપ્તો મળી જતો હોવાથી બુટલેગરો સામાન્ય લોકોની સાથે વારંવાર દાદાગીરી કરતા હોય છે

સુરત,તા.૭ : સુરતમાં જાણે કે એવું લાગી રહ્યું છે કે ગુંડારાજ ચાલી રહ્યું છે. કારણ કે ગુંડારાજ જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. હવે સુરતના પાંડેસરા વિસ્તાર દારૂ પીતા બુટલેગરોને સ્થાનિક લોકોએ ટકોર કરતા તેઓ ઉશ્કેરાય ગયા હતા અને સ્થાનિક લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બાદમાં મામલો બીચક્યો હતો અને જોતજોતાના ઘર્ષણ સાથે પથ્થરમારો થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બીજી તરફ અહીં ઠેરઠર દેશી અને વિદેશી દારૂ મળતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. કોઈ જ બેરોકટોક વગર દારૂ મળી રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે. સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાને લઈને અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસને નિયમિત હપ્તો મળી જતો હોવાથી બુટલેગરો સામાન્ય લોકો સાથે દાદાગીરી કરતા હોય છે અને માર મારવાની ઘટનાઓ પણ છાશવારે સામે આવતી હોય છે.

     સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગરની બાજુમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં કેટલાક બુટલેગરના માણસો જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ લોકો જાહેરમાં દારૂ પીવાની સાથે સાથે સ્થાનિક લોકોને હેરાન કરવા હોય છે તેમજ તેમને નુકસાન પણ પહોંચાડતા હોય છે. આ બુટલેગરના માણસોની દરરોજની માથાકૂટથી કંટાળેલા લોકોએ ગતરોજ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં બુટલેગરોની દુકાન આગળ દારૂની મહેફિલ માણવા બેઠેલા શખ્સોને ટકોર કરતા મામલો બીચકાયો હતો. જોતજોતામાં બુટલેગરના મળતીયાઓએ સ્થનિક દુકાનદારોને માર મારવાનું શરૂ કર્યું હતું. જેને લઇને બુટલેગરથી ત્રાસેલા લોકો બુટલેગરો સામે થયા હતા. મામલો તંગ બનતા બુટલેગરોના મળતીયાઓએ સ્થાનિક લોકો પર પથ્થરમારો કરી દીધો હતો. જેને લઇને વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડી વધુ તપાસ શરૂ કરી હતી. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે સુરતમાં સૌથી વધુ દારૂના અડ્ડા પાંડેસરા વિસ્તારમાં ચાલે છે. પોલીસની છત્રછાયામાં નીચે જ આ દારૂના અડ્ડા ચાલે છે. બુટલેગરો પોલીસને હપ્તા આપતા હોવાથી અહીં કોઈ જ રોક ટોક વગર બધુ ધમધમે છે. બે દિવસ પહેલા પર આ જ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન દારૂનું એક બજાર ભરાયું હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

(9:06 pm IST)