Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મોરબીની ખાનગી બેંકમાં ૧૫ લાખની ચીટીંગ કરનાર મહિલા સહીત બે ઝડપાયા

આરોપી નેહાબેન ગજજરને જુનું દેણું ચુકવવા માટે, ઘર ખર્ચ, લીધેલ લોન ચુકવવા માટે પૈસાની જરૂર હોવાથી એટીએમમાંથી ૧૫ લાખ રૂપિયાની રકમ કાઢી

મોરબી શહેરમાં આવેલ ખાનગી બેંકના કર્મચારીએ ૧૫ લાખ રૂપિયાની બેંક સાથે છેતરપીંડી આચરી હોય જે બનાવ મામલે બેંકના ક્લસ્ટર બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે છેતરપીંડી કરનાર  મહિલા કર્મચારી અને મદદગારી કરનાર એમ બેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરના રહેવાસી અને ઇન્ડસિંડ બેંકના બ્રાંચ રાજકોટમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિકભાઈ માંકડ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાજકોટ, સુરેન્દ્રનગર લાલપર મોરબીમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે કાર્યરત હોય જેઓએ લાલપર ગામની બેંકની બ્રાંચના એટીએમમાં બેલેન્સ ચેક કરતા ૧૫ લાખની ઘટ હોવાથી મહિલા કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર રહે સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ ૧૫ લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે કાઢી લઈને બેંક સાથે ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકા પોલીસે બેન્કના મહિલા કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં પોલીસે તપાસ દરમિયાન આરોપી નેહાબેન ગજ્જરને છેતરપીંડીના ગુન્હામાં ઝડપી પાડવામાં આવી હતી તો સહકર્મચારી જીગ્નેશભાઈ માનસેતાની પણ મદદગારીના ગુન્હામાં તેની ધરપકડ પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે.
તો પોલીસ પાસેથી માહિતી મળી હતી કે આરોપી નેહાબેન ગજજરને જુનું દેણું ચુકવવા માટે, ઘર ખર્ચ, લીધેલ લોન ચુકવવા માટે પૈસાની જરૂર હોવાથી એટીએમમાંથી ૧૫ લાખ રૂપિયાની રકમ કાઢી હતી તો  સહકર્મચારી જીગ્નેશભાઈ માનસેતાને જાણ હોવા છતાં ઉચાપતમાં મદદગારી કરી હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

(11:39 pm IST)