Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ખંભાત નગરપાલિકા ખાતે બે એડવાન્સ રોબોટનું લોકાર્પણ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડિયાએ લોકાર્પણ કર્યું

અમદાવાદ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડિયાએ આજે ખંભાત નગરપાલિકા ખાતે બે એડવાન્સ રોબોટનું લોકાર્પણ કર્યું હતું, જે સફાઈ કામદારોને સફાઈ માટે શહેરના મેનહોલ્સમાં માનવ પ્રવેશની જોખમી અને ઘૃણાસ્પદ પ્રથાને દૂર કરશે અને તેમને સન્માનિત જીવન આપશે. ‘સફાઈમિત્રો’ (સફાઈ કામદારો) ના જીવનમાં પરિવર્તન લાવવાના વિઝન સાથે ઓએનજીસી ફાઉન્ડેશનની સીએસઆર પહેલના ભાગ રૂપે રોબોટ્સનું નામ બેન્ડિકૂટ રાખવામાં આવ્યું છે

 . આ પહેલ સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારની સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જ સાથે સુસંગત છે, જેનો હેતુ મશીન મારફતે સફાઈ દ્વારા ગટર અને સેપ્ટિક ટેન્ક્સની જોખમી સફાઈ અટકાવવાનો છે. આ પહેલ સફાઇ કામદારો માટે તાલીમ અને પુનર્વસન કાર્યક્રમો સાથે રોબોટ ઓપરેટર તરીકે સુરક્ષિત અને સન્માનજનક રોજગારી આપે છે.

બૅન્ડિકૂટ એ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત’ પહેલ હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ટાર્ટઅપ જેનરોબોટિક્સ દ્વારા વિકસિત કરાયેલો વિશ્વનો પ્રથમ મેનહોલ ક્લિનિંગ રોબોટ છે. રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ (એઆઇ) જેવા સૌથી એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તે વધુ કાર્યક્ષમ સફાઈ માટે મેનહોલની અંદર સંપૂર્ણ માનવ હસ્તક્ષેપની આવશ્યકતાને દૂર કરી શકે છે અને તેમનું સ્થાન લઇ શકે છે. તે સ્પેશિયલ વોટરપ્રૂફ કેમેરા અને સેન્સરથી સજ્જ છે જે ઓપરેટરોને મેનહોલ્સની અંદર ઝેરી ગેસની હાજરી જાણવામાં મદદ કરે છે. તેની વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા રોબોટિક આર્મ મેનહોલના ખૂણામાંથી પણ કચરો ઉઠાવવા, પકડવા અને ખેંચવા જેવી મલ્ટીપલ કામગીરી કરે છે, જે પ્રવાહી કચરાને ગટર વ્યવસ્થામાં આપમેળે વહેવામાં મદદ કરે છે.

(9:47 am IST)