Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આણંદમાં મિલકતની બોગસ નોટિસ બનાવી 20 લાખમાં બરોબર વેચી દેનાર સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ શહેરમાં વણવહેંચાયેલી મિલકત પૈકી અડધા ઉપરાંતની મિલકત એક જ પરિવારના ચાર સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચી બોગસ નોટીસ બનાવી રૂા.૨૦ લાખમાં વેચી મારી હોવાનો બનાવ આણંદ શહેર પોલીસ મથકે નોંધાતા પોલીસે સાત શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવીનચંદ્ર છોટાભાઈ પટેલ નાના અડધ ખાતે રહે છે. તેઓના સંયુક્ત વારસદારોની કસુજીની ખડકીવાળી જમીન વણવહેંચાયેલી આવેલી છે. વર્ષ ૧૯૫૯માં પટેલ પૂંજાભાઈ મથુરભાઈએ વહેંચણી માટે દાવો કર્યો હતો. જેમાં ફરિયાદી તેમજ મુકેશભાઈ હરિભાઈ પટેલ, અંજેશભાઈ હરિભાઈ પટેલ, જાગૃતિબેન હરિભાઈ પટેલ અને નયનાબેન હરિભાઈ પટેલ પણ પ્રતિવાદી તરીકે હતા. આ કેસમાં વર્ષ ૧૯૬૩માં કોર્ટે હિસ્સો પાડી દેવાનો પ્રાથમિક હુકમ કર્યા બાદ આજદિન સુધી કોઈ હિસ્સો પડયો ન હતો. તેમ છતાં મુકેશભાઈ પટેલ, અંજેશભાઈ પટેલ, નયનાબેન પટેલ અને જાગૃતિબેન પટેલે પોતાની જાતે પોતાનો હિસ્સો નક્કી કરી ૯૦૫ ચોરસમીટરવાળી જમીનમાંથી ૫૦૫ ચોરસમીટર જમીનનો વેચાણ દસ્તાવેજ સ્નેહલભાઈ મણીભાઈ પટેલ (રે.ઉમલાવ)ને ગત તા.૧૩-૧૨-૨૦૧૯ના રોજ કરી આપ્યો હતો. જેમાં ઓળખાણ તરીકે મિતેશભાઈ નગીનભાઈ પટેલ (આણંદ) અને ઈબ્રાહીમભાઈ રાયસંગભાઈ રાણા (રહે.નાપા) એ ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ ઉક્ત મિલકતના માલિક નહીં હોવાનું જાણવા છતાં પણ સહીઓ કરી આપી હતી. દસ્તાવેજ રજૂ કરતી વખતે પ્રોપર્ટી કાર્ડ ૧૦ પાનનું હોવા છતાં પણ પોતાના નામની જ એન્ટ્રીવાળુ પ્રોપર્ટી કાર્ડ રજૂ કરીને દસ્તાવેજ મુકી ઓથોરીટીને ગેરમાર્ગે દોરી હતી.જો કે ત્યારબાદ પોતાની જાતે ૧૩૫ (ડી)ની નોટીસો તૈયાર કરીને આણંદના સીટી સર્વેના અધિકારીની ખોટી સહીઓ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અંગે નવીનચંદ્ર પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે જમીન વેચાણ આપનાર, વેચાણ રાખનાર અને ઓળખાણમાં સહીઓ કરનાર કુલ સાત શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)