Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ખેડામાં મહિલા કંડકટર સાથે અભદ્ર વર્તન કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : ખેડા પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા એક ઈસમે ધોળકા ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતી યુવતીની સાથે અભદ્ર વ્યવહાર કરી વિડીયો બનાવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે મહિલા કંડક્ટરની ફરિયાદ ના આધારે ખેડા પોલીસે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિનલબેન (નામ બદલેલ છે) નામની એક યુવતી (ઉં. વ. ૩૦) ધોળકા ડેપોમાં બે વર્ષથી કંડકટર તરીકે ફરજ બજાવે છે. તેઓની કંડકટરની ફરજ દર ત્રણ દિવસે બદલાતી હોય છે. મિનલબેન તા. ૪ ના રોજ તેઓની નોકરી ધોળકાથી ગળતેશ્વર લોકલ બસમાં કંડકટર તરીકે હતા જેથી તે સવારે છ વાગે બસ ડ્રાઇવર ઓધારભાઈ સોમાભાઈ રબારી (રહે. ધોળકા) બસ લઈને ધોળકાથી નીકળ્યા હતા. દરમિયાન તેઓ ગળતેશ્વરથી ધોળકા જવા નીકળેલા ખેડાથી પેસેન્જરો ભરી પરત ધોળકા જતા હતા ત્યારે એક પેસેન્જર મિનલબેન સાથે અભદ્ર વ્યવહાર કરતો હતો. તેણે વીડિયો ઉતારી મારી સાથે બોલવું છે તેમ જણાવી તેણીનો હાથ પકડી શરીરને સ્પર્શ કર્યો હતો. જે સંદર્ભે એટીએસ પોઇન્ટ ઉપર એસટીની ઓફિસમાં જાણ કરી હતી. ત્યારબાદ તા. ૬ના રોજ મિનલબેન ફરજ પર હાજર હતા ત્યારે ખેડા બસ સ્ટેન્ડ પર બપોરના બાર વાગ્યે ઉપરોક્ત શખ્સ બેઠેલો હોય, જેથી મિનલબેને સ્ટાફના માણસોને કહેતા તેને ઝડપી પાડયો હતો. દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રણજીતભાઈ પૂનમભાઈ સોલંકી હોવાનું તથા પોતે ખેડા પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મહિલા કંડક્ટરની ફરિયાદના આધારે ખેડા પોલીસે રણજીત સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)