Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રી અને સચિવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતા નું પ્રતિક છે:મંત્રી મનસુખભાઈ માંડવીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો મહેમાનો માટે નવીન ઊર્જાનું કેન્દ્ર બન્યો

રાજપીપલા:કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા તેમજ  દેશના વિવિધ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતોએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતીકરૂપ છે તેમ જણાવી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સરદાર સાહેબનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કરતાં પણ ઊંચું છે તેમ કહ્યું હતું.
  કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી  અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.
તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું  હતું.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના  ગાઈડ શ્રીમતી શાહીન મેમણ  અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના  જનસંપર્ક  અધિકારી રાહુલભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી.
  કેન્દ્રીય મંત્રી માંડવીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મુલાકાતના અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર શીવમ બારીઆએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને  સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
   આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો.
  આ  મુલાકાત દરમિયાન તેમની સાથે દેશના વિવિધ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો પણ જોડાયા હતા.
 

(7:05 pm IST)