Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સ્વૈચ્છિક રક્તદાન, નેત્રદાન વગેરે કાર્યોમાં ગુજરાત રેડક્રૉસ સંસ્થાએ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

"વિશ્વ રેડક્રૉસ દિન" નિમિત્તે ગુજરાતના રાજ્યપાલનો પ્રજાજોગ સંદેશ

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેજીએ "વિશ્વ રેડક્રૉસ દિન" નિમિત્તે પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે પ્રતિવર્ષ ૮મી મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ દિનની ઉજવણી કરવામાં આવે છે. ૮મી મે રેડક્રૉસ ના સંસ્થાપક જિન હેનરી ડ્યુનાન્ટના જન્મ દિવસે વિશ્વ રેડક્રૉસ-રેડક્રેસેન્ટ દિન વિશ્વભરમાં વ્યાપક રીતે ઉજવવામાં આવે છે.
તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વિશ્વ રેડક્રૉસ દિવસની થીમ “બી-હ્યુમનકાઇન્ડ” છે. વિશ્વ રેડક્રૉસ – રેડ ક્રેસેન્ટ દિવસ-2022ના અવસરે આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ અને રેડ ક્રેસન્ટ દયાભાવને કેન્દ્રમાં રાખીને વિશ્વભરના લોકોને દયાળુ અને માનવતાવાદી બનવા માટે પ્રેરણા આપે છે.
રાજ્યપાલએ જણાવ્યું છે કે, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી, ગુજરાત શાખા અને તેની ૩૩ જિલ્લા તથા ૭૫ તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સ્વૈચ્છિક રક્તદાન, નેત્રદાન વગેરે કાર્યોમાં ગુજરાત રેડક્રૉસ સંસ્થાએ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રેડક્રૉસ શતાબ્દિ સમારોહ અવસરે રેડક્રૉસના રાષ્ટ્રીય મુખ્યાલય દ્વારા ગુજરાત રાજ્ય શાખાને સર્વ શ્રેષ્ઠ શાખા તરીકે પસંદ કરવામાં આવી હતી.
રાજ્યપાલએ જણાવ્યું છે કે, થેલેસેમિયા અને સિકલસેલ નિવારણ કાર્યક્રમ ભારતભરમાં આવા પ્રકારનું પહેલું અભિયાન છે, જેને ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટીના નેશનલ હેડક્વાર્ટર્સ દ્વારા નોડલ પોજેક્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
રાજ્યપાલએ જણાવ્યું છે કે સંસ્થાની બ્લડ બેંકો દ્વારા વાર્ષિક લગભગ ૧.૬ લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે અને જરૂરતમંદ રોગીઓના જીવનની રક્ષા કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.  ગુજરાત રેડક્રૉસ સંસ્થા કોવિડ-19 સંક્રમિતો અને તેમના પરિવારજનોની મદદ માટે હંમેશા અગ્રેસર રહી છે. સંસ્થાએ મહામારી દરમિયાન ત્રણ હજારથી વધુ  RT-PCR ટેસ્ટ કર્યા છે, 150 જેટલા તાલીમબદ્ધ સ્વયંસેવકોની સેવા રાજ્યની સિવિલ હૉસ્પિટલોમાં પૂરી પાડી છે. રાજ્યના નાગરિકોને 1 લાખ હાઈજીની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યુ છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં માસ્ક, સાબુ, સેનેટાઇઝર, ફૂડ પેકેટ્સ, રાશન કિટ, પીપીઇ કીટ અને જરૂર પડ્યે ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાત રેડક્રૉસ સંસ્થા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, ટી. બી. નિયંત્રણ, જુનિયર અને યૂથ રેડક્રૉસ પ્રવૃત્તિઓ, ફિઝિયોથેરાપી અને સેરીબ્રેલ પાલ્સી સેન્ટર, રેડક્રૉસ સિનિયર સીટીઝન હોમ "વાત્સલ્ય" જેવી ઉપયોગી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું છે કે રેડક્રૉસ સંસ્થાએ રાજ્યભરમાં લોકોને રાહત દરે સેવા આપવાના ઉદ્દેશથી 33 જિલ્લામાં એક બ્લડ બેન્ક, પ્રાથમિક ચિકિત્સા તાલીમ, પેથોલૉજી લેબોરેટરી, દંત ચિકિત્સાલય અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી છે.
રાજ્યપાલએ સંસ્થાના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્વયં સેવકો અને સહયોગીઓને શુભકામનાઓ આપી છે અને આશા વ્યક્ત કરી છે કે માનવતાવાદી સેવાઓ પ્રદાન કરવા માટે રાજ્યનો પ્રત્યેક નાગરિક ઉદાત્ત ભાવથી આ સેવાયજ્ઞમાં યોગદાન આપશે.

(8:22 pm IST)