Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધાનો રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવાયો

ખેલાડીઓ સાથે ટેબલ ટેનીસ રમી હર્ષ સંઘવીએ સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું: ઓલપાડ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજીત ટેબલ ટેનિસ સ્પર્ધામાં પાંચ વિવિધ વય જુથમાં રાજયભરના ૨૦૫૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત, યુવા અને સાંસસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સુરત ગ્રામ્ય દ્વારા સંચાલિત ઓલપાડની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુકત ઉપક્રમે ‘ખેલમહાકુંભ’ અંતર્ગત રાજ્યકક્ષાની ભાઈઓ-બહેનો માટેની ટેબલ ટેનીસ સ્પર્ધાનું રમગમત અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંધવીના હસ્તે શુભારંભ થયો હતો.

 આ પ્રસંગે રમત ગમત મંત્રીએ જણાવ્યું હતું કે, "ખેલ મહાકુંભના કારણે યુવાઓની તંદુરસ્તી સાથે રમતગમતમાં સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. ખેલમહાકુંભ થકી વૈશ્વિક સ્તર પર પડકાર ફેંકીશકે તેવા પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. રાજ્ય અને દેશ માટે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી, મેડલ લાવી ગુજરાત તથા દેશનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્યના કચ્છથી લઈને ડાંગ સુધીના છેવાડાના ગામ સુધીના ગ્રામીણ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે. ખેલ મહાકુંભમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સિનિયર સિટીઝનોએ ભાગ લઈને યુવાનોને રમત-ગમતનું મહત્વ સમજાવી પ્રેરણા આપી છે".

   મંત્રીએ વધુમાં જણાવ્યું કે, “રાજ્યના રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે તે માટે કોચિંગ, એનાલીટીકલ અને સાયન્ટીફિકલ ટ્રેનીંગ માટે રાજ્ય સરકાર દરેક ખેલાડી માટે રૂ।.૧૫ લાખ સુધીનો ખર્ચ કરી રહી છે. જેના પરિણામ રૂપે પેરાલિમ્પિકમાં ગુજરાતની દીકરીઓએ મેડલ જીતીને રાજયનું નામ રોશન કર્યું છે. રાજ્ય સરકારની નવી સ્પોર્ટ પોલીસી અંતર્ગત વિવિધ સ્પોર્ટ ગ્રાઉન્ડ પર કોચ તથા ટ્રેનીંગની યોગ્ય, અદ્યતન વ્યવસ્થા ઉભી કરાશે જેનો લાભ રમતગમત ક્ષેત્રે પોતાની કારર્કીદી બનાવવા માંગતા હજારો ખેલાડીઓને પ્રાપ્ત થશે.

 મંત્રીએ રાજયની દિકરી ભાવિનાબેન પટેલનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, કોરોનાના લોકડાઉનના સમયે પોતાના નાનકડા રૂમને ટેબલ ટેનિસ માટેનો પ્રેક્ટીસ રૂમ બનાવીને તનતોડ પ્રેકટીસ કરીને ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યો છે". ઓલપાડ તાલુકાની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ખાતે તા.૧૨મી મે સુધી ચાલનાર ટેબલ ટેનીસ સ્પર્ધામાં રાજયભરમાંથી આવેલા પાંચ અલગ અલગ વયજુથનાં ભાઈઓ-બહેનો સહીત અંદાજે ૨૦૫૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ખેલમહાકુંભની વિવિધ રમતોમાં ૫૬ લાખ જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરી, વય જુથ અને સ્પર્ધામાં રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રસંગે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, પ્રમોદ ચૌધરી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ, રમતગમત અધિકારી દિનેશ કદમ, સુરત ગ્રામ્ય રમતગમત અધિકારી વિરલ પટેલ, સ્પર્ધકો, કોચ તથા સ્કુલના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

   
(8:30 pm IST)