Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મારી ઉપર ક્રાઈમ બ્રાંચના દરોડા પાડયા, મારૂ લાયન્સ પણ રદ્દ કરવા જણાવાયું: રાજ શેખાવત

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતનો ગૃહમંત્રી ઉપર ગંભીર આક્ષેપો : મને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવાયો, હું કોઈ રાજકીય પક્ષના સંપર્કમાં નથીઃ પત્રકાર પરીષદ

રાજકોટઃ કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર આક્ષેપો કર્યા છે. તેઓએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મને આર્થિક રીતે તોડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. તેઓના ઈશારે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છું. મારી સિક્યોરિટી એજન્સીઓનું લાઇસન્સ રદ કરવા કહ્યું છે. જો આગામી દિવસોમાં લાયસન્સ રદ કરવામાં આવશે તો સચિવાલય તરફ કુચ કરી ધરણા પ્રદર્શન અને પ્રદીપસિંહ જાડેજાનો વિરોધ કરવામાં આવશે.

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે આજે એક પત્રકાર પરિષદ જણાવ્યું હતું કે, મને રાજકીય કિન્નખોરીનો ભોગ બનાવવામાં આવે છે. પદ્માવત ફિલ્મ વખતે થયેલા વિરોધ પ્રદર્શન મામલે થયેલા કેસો પાછા ખેંચવા સરકાર પર દબાણ કર્યું. અમરેલીમાં હેમુભાને ન્યાય આપવામાં ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું. અમરેલીના લુવારા ગામમાં રાજપૂત સમાજની દીકરીને ન્યાય અપાવવા અવાજ ઉઠાવ્યો, વડોદરામાં NBC કંપની દ્વારા ગેરકાયદે યુવાનોને છુટા કર્યા તે પણ અવાજ ઉઠાવ્યો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખી મને ટાર્ગેટ કરવામા આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સિકયુરિટી એજન્સી રેડ ફોકસ પ્રોટેકશન નામની મારી કંપનીને નોટિસ આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં લાઈસન્સ રદ કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. આ સાથે SOG દ્વારા શેખાવત પેલેસ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકાર મને અને સમાજ ને તોડવાનો પ્રાયસ કરવામાં આવી રહ્યો છે જે સ્વીકાર્ય નથી.

વધુમાં શ્રી શેખાવતે જણાવ્યું હતુ કે, સમાજ સેવા ચાલતી જ રહેશે, ભલે હું રોડ પર આવી જ જઈશ. હું કોઈ રાજકીય પાર્ટીના સંપર્કમાં નથી અને જઈશ પણ નહીં. આગામી દિવસોમાં સરકાર પર જરૂર પડે તો અમે દબાણ બનાવીશું. આવી કિન્નખોરીના વિરોધને લઈ રાજયપાલ, રાષ્ટ્રપતિ, DGP વગેરેને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ શેખાવતના જન્મદિન નિમિતે રાત્રિ કફર્યૂમાં કાર્યકરો દ્વારા જાહેર રોડ પર ગાડીઓ લઈ હોબાળો મચાવ્યો હતો. તેમના રહેણાંક જગ્યા પર રાત્રે નારા લગાવ્યા અને બુમો પડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

(4:55 pm IST)