Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ ! : ભરૂચનાં ધારાસભ્ય છોટુ વસાવાના પત્નીનો વીડિયો વાઇરલ

દારૂબંધીનો કડક અમલ કરો અથવા દારૂની છૂટ આપો જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે : સરલાબેન વસાવાએ કલેકટરને આવેદન પાઠવ્યું

ભરુચ તા.06 : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શેરીઓ ગલીઓમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ત્યારે ખરાબ દારૂ મળવાને ઘણા લોકો નાની ઉંમરમાં જીવ ગુમાવી દે છે. જેને  લઈ મહિલા આગેવાન સરલાબેન વસાવાએ સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “દારૂબંધીનો કડક અમલ કરવો અથવા દારૂની છૂટ આપો જેથી સારો  દારૂ મળે...”

આ મામલે સાવિત્રીબાઈ ફુલે મહિલા પ્રગતિ સેનાના પ્રમુખ અને બીટીપીના અગ્રણી તથા ધારાસભ્ય છોટુ વસાવાના પત્ની સરલાબેન વસાવાની આગેવાનીમાં રાજ્યપાલને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. અને તેમણે જણાવ્યું હતું કે, દારૂના કારણે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે, તેના માટે સરકાર જવાબદાર છે, જો દારૂબંધીનો કડક અમલ ના કરવો હોય તો સરકાર દારૂની છૂટ આપે, જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે અને લોકોના જીવ બચે. દારૂબંધી છે છતાં ગામડાંમાં બુટલેગરો દારૂ વેચે છે, ગામડાંમાં થર્ડ ક્લાસ દારૂ વેચાય છે, તેમાં કેમિકલ ભેળવવામાં આવે છે, જેનાથી છોકરાના નાની ઉંમરમાં મૃત્યુ થઈ રહ્યા છે, આમ સરકાર કાં તો દારૂબંધીમાંથી મુક્તિ અપાવે અથવા તો દારૂબંધીના કડક કાયદાનો અમલ કરે. તેમ કહેતો મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ, જુગાર અને આંકડાના અડ્ડા બંધ કરવા તેમજ બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરાઈ હતી. મહિલાઓએ રજૂઆત કરી હતી કે, દારૂબંધી અંગેનો ખોટો દંભ ન કરવો જોઈએ. હલકી કક્ષાનો દારૂ પીને પુરુષો મરણ પામતા હોય છે. વિધવાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આવેદન પત્રમાં માંગણી કરાઈ હતી કે, જે વિસ્તારમાંથી દારૂ ઝડપાય તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી પર પગલા ભરી સસ્પેન્ડ કરવાં જોઈએ. દારૂબંધી હટાવી લેવાશે. તો જેને દારૂ વગર ચાલતુ જ નથી તે સારો દારૂ પીશે, તેથી મોતની સંખ્યા ઘટશે અને મહિલા વિધવા બનતાં અટકશે.

(12:19 am IST)