Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મહેસાણા પાસે આવેલા લાખવડ ગામે પાકિસ્તાની નાગરિકોના આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ કાઢ્યા : SOG ને તપાસના આદેશ

પાંચ વર્ષથી રહેતા 10 પાકિસ્તાની હિન્દુ નાગરિકોના આધાર કાર્ડ અને 6 નાગરિકોના ચૂંટણી કાર્ડ કઢાવવામાં આવ્યા હોવાનું સામે આવતા તંત્રની બેદરકારી છતી થઈ

મહેસાણા પાસે આવેલા લાખવડ ગામે પાંચ વર્ષથી રહેતા 10 પાકિસ્તાની હિન્દુ નાગરિકોના આધાર કાર્ડ અને 6 નાગરિકોના ચૂંટણી કાર્ડ કઢાવવામાં આવ્યા હોવાનું સામે આવતા તંત્રની બેદરકારી છતી થઈ છે. જિલ્લા પોલીસવડાએ આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ જે પરિવારના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે, તેઓ 5 વર્ષ પહેલા મહેસાણાના કુકસ ગામની સીમમાં રહેવા આવ્યો હતો. મૂળ હિન્દુ અને પાકિસ્તાનમાં ભારે હેરનગતિના કારણે પરિવાર ભારત છોડવા તૈયાર નથી. સમય જતાં કેટલાક પરિવારો લાખવડ અને દેલા સહિતનાં ગામોમાં વસવાટ કરવા જતા રહ્યા હતા. જેમાંથી લાખવડ ગામે રહેતા પરિવારના કેટલાક સભ્યોના મામલતદાર કચેરીએ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ કાઢવામાં આવ્યા. જેને લઈને જિલ્લા પોલીસવડાએ એસઓજીને તપાસ સોંપી કાર્યવાહી કરવા આદેશ કર્યો.

એસઓજીના પીઆઈ ભાવેશ રાઠોડે જણાવ્યું કે પાકિસ્તાની નાગરિકોના ચૂંટણીકાર્ડ અંગે સિટી મામલતદાર કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેમના કહ્યા મુજબ નિયમો મુજબ ચૂંટણીકાર્ડ કાઢવામાં આવ્યા છે. હવે અમે ચૂંટણી અધિકારીને પૂછીશું કે તેમના ચૂંટણીકાર્ડ નીકળે કે નહીં.

(12:27 am IST)