Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બાલાસિનોર તાલુકામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતો ચિંતિત

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જમીયતપુરા પાસે આવેલી ડમ્પિંગ સાઇટ  નજીક માત્ર ત્રણ કી. મી વિસ્તારમાં આવેલા ખેતીલાયક પાણીના કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સમગ્ર ઘટનાની જાણ વિસ્તારના ખેડૂતો દ્વારા સ્થાનિક સરપંચને કરવામાં આવી હતી.

બાલાસિનોર તાલુકામાં આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે અનેક વખત વિરોધનો વંટોળ થઈ ચૂક્યો છે. વિસ્તારના નાગરિકો દ્વારા આમરણાંત ઉપવાસ  પર બેસીને પણ વિરોધ નોંધાવ્યો હોવા છતાં ડંપિંગ સાઇટ ચાલુજ રહી છે. 

ત્યારે ચાલુ સાલે વરસાદના આગમન બાદ ડમ્પિંગ સાઈટની ગંભીર અસરો જોવા મળી રહી છે. જેમાં જમીયતપુરા લાટના ખેડૂત હિતેન્દ્રભાઈના કૂવામાં ઝેરી કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે. જેમાં કાળું ઓઇલવાળું દુર્ગંધ મારતું પાણી નિકળી રહ્યું છે. આ પાણી ખેતીલાયક નહીં હોવાથી ફળદ્રુપ જમીનને ભારે નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે કિરીટભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટ વિરોધ વચ્ચે કાર્યરત છે. 

(6:40 pm IST)