Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મકાન વેચવાના બહાને ભેજાબાજે વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે 60 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ભવર બંગલોમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અમિત ભવરલાલ ગોરે ફરિયાદ નોંધાવી હતી કે, 2012 દરમિયાન બલવીન્દર સિંઘ બગેલસિંગ સંધુપણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હોય પરિચિત હતા.બલવીન્દર સિંઘએ જણાવ્યું હતું કે મુકુલભાઈ અમીન કાયમ માટે  અમેરિકા રહેવા જવાના છે. જેથી જેતલપુર રોડ ખાતેની દીપમંગલ સોસાયટીમાં આવેલ તેમનું 457 ચોરસ મીટર પ્લોટ એરિયામાં મકાન નંબર 03 વેચવાનું છે. બાદમાં મુકુલભાઈએ જણાવ્યું હતું કે , આ મિલકત મારી માતાના નામે છે તેમણે મને કુલમુખત્યાર નામુ કરી આપ્યું છે. જેથી મકાન જોયા બાદ બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. જેમાં સાક્ષી તરીકે તેજસ સી. ભાવસાર અને બલવીન્દરસિંગ સંધુએ સહી કરી હતી. બાનાખત સમયે 60 લાખનો ચેક મુકુલભાઈ ઠાકોરભાઈ આમીનને આપ્યો હતો. અને મુકુલભાઈએ જણાવ્યું હતું કે, હું બે ત્રણ વર્ષમાં અમેરિકા જઈશ એટલે તમને વેચાણ દસ્તાવેજ કરી આપીશ. ત્યારબાદ અવારનવાર મારે ચૂકવવાના થતા 1.40 કરોડ આપી મકાનનો વેચાણ દસ્તાવેજ કરવા જણાવ્યું હતું. પરંતુ મને વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી વર્ષ 2017 દરમિયાન અમેરિકા જતા રહ્યા હતા. વર્ષ 2020 દરમિયાન આ મકાનના વેચાણ બાબતે નોટીસ પ્રસિદ્ધ થઈ હતી. જેમાં હિતેશકુમાર વલ્લભદાસ શાહએ બંગલો વર્ષ 2015 માં વેચાણથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. અને તેનો બાનાખત  મુકુલભાઈએ કરી આપ્યો હતો. આ અંગે હિતેશકુમાર સાહે જણાવ્યું હતું કે, બલવિંદર સંધુ પાસેથી આઈનોક્સની સામે આવેલ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન અધૂરું હોય મારા મિત્ર પંકજ શેઠે તે 11 કરોડમાં લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ 8.91 કરોડ લઇ દસ્તાવેજ કરવા બોલાવી તેમને છરી બતાવી બળજબરીપૂર્વક 2.39 કરોડ લઈ લીધા હતા. જે અંગે ગોત્રી પોલીસ મથકે અગાઉ ફરિયાદ નોંધાવતા બલવિન્દરસિંગ સંધુની અટકાયત કરી હતી.

(6:43 pm IST)