Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કન્યા શોધવા ૧.૧૧ લાખની ફી ભરનારને ફી પાછી આપવા આદેશ

વર્ષમાં છોકરી શોધી આપવાનું કહીને છેતરપિંડી : વર્ષ સુધી છોકરી બતાવવાના નામે ગલ્લાં-તલ્લાં કરતા મેરેજ બ્યૂરો સામે ગ્રાહક તકરાર નિવારણમાં કેસ કરાયો હતો

અમદાવાદ, તા.૭ : એક વર્ષમાં છોકરી શોધી આપીશું તેવું કહીને વિવિધ છોકરીઓના માત્ર ફોટો જ બતાવનારા કલોલના મેરેજ બ્યૂરોને ક્લાયન્ટની ફી પાછી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેસની વિગતવાર વાત કરીએ તો, કલોલના શંકરલાલ ગુર્જરે જુલાઈ ૨૦૨૦માં સર્વજ્ઞાતિ મેરેજ બ્યૂરોમાં ૧.૧૧ લાખ રૃપિયા ફી ભરી હતી અને તેમના દીકરા વિકાસ માટે છોકરી શોધવાનું કામ સોંપ્યું હતું. જોકે, શંકરલાલે ફી ભર્યા બાદ મેરેજ બ્યૂરો તરફથી કંઈ જ કરવામાં ના આવ્યું. જ્યારે તેમણે સામેથી પૂછપરછ કરી તો કહેવામાં આવ્યું કે, જ્યારે પણ કોઈ છોકરીનો સારો બાયોડેટા આવશે તેઓ તેમને જણાવશે.

આ કહ્યાના પણ કેટલાક મહિના વિત્યા છતાં મેરેજ બ્યૂરો તરફથી કોઈ ફોન ના આવ્યો. જ્યારે પિતા-પુત્ર મેરેજ બ્યૂરો પહોંચ્યા ત્યારે તેમને એક છોકરીનો ફોટો બતાવવામાં આવ્યો અને વિકાસ માટે લગ્નનો પ્રસ્તાવ મોકલવા માટે તેમની મંજૂરી લેવામાં આવી. જ્યારે શંકરલાલે છોકરીની વધુ વિગતો માગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, તેઓ તેના ઘરે ફોન કરશે અને વધુ વિગતો જાણી લેશે.

બે દિવસ બાદ ગુર્જર પરિવારને મેરેજ બ્યૂરોમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, છોકરીનો પરિવાર બહારગામ ગયો હોવાથી બાયોડેટા આવતાં બીજા ૧૫ દિવસ લાગશે. જેથી તેમણે રાહ જોઈ પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું કે, આ છોકરીના લગ્ન તો નક્કી થઈ ગયા છે.

એક મહિના બાદ ગુર્જર પરિવારને વધુ એક છોકરી બતાવવા માટે ફોન આવ્યો પરંતુ આ વખતે પણ મેરેજ બ્યૂરોવાળાએ માત્ર તેનો ફોટો જ બતાવ્યો. પરિવારે છોકરી વિશે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ મેરેજ બ્યૂરો તરફથી જોઈએ તેવો પ્રતિસાદ ના મળ્યો. શંકરલાલે વધુ દબાણ કરતાં મેરેજ બ્યૂરોમાંથી કહી દેવાયું કે છોકરીને તેમનો છોકરો પસંદ નથી આવ્યો. આમ ને આમ એક વર્ષ વિતી જતાં શંકરલાલ ગુર્જરે મેરેજ બ્યૂરોને લીગલ નોટિસ મોકલી અને બાદમાં ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. જેમણે મેરેજ બ્યૂરોના માલિક મંથન ગાંધીને નોટિસ મોકલી પરંતુ તેણે કોઈ જવાબ ના આપ્યો. જેથી કમિશને નિર્ણય કર્યો કે મેરેજ બ્યૂરોએ તેના ક્લાયન્ટને કોઈ સેવા પૂરી નથી પાડી અને એટલે જ તે ફી રિફંડ આપવી પડશે. ૯ ટકા વ્યાજ સાથે ફી પાછી આપવા ઉપરાંત ક્લાયન્ટને થયેલી હેરાનગતિ પેટે ૫,૦૦૦ રૃપિયા વળતર આપવું પડશે તેવો પણ આદેશ કરાયો છે.

(7:50 pm IST)