Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

“એક કા ડબલ”ની લાલચમાં લોકો સાથે કરોડોની સ્કીમ થઈ ગઈ ! : છેતરપિંડી કરનાર ભેજાબાજને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

મુંબઈ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકો પાસેથી નાણા લઈને ભેજાબાજે સમગ્ર કૌભાંડ આચર્યું : નવ વર્ષમાં નાણાં ડબલ કરવાની આપી હતી લાલચ

સુરત તા. 07 : ફીનોમીનલ ગ્રુપ ઓફ કંપની બનાવી મુંબઈ સહિત દેશના અલગ અલગ રાજ્યોનાં લોકોને નવ વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે.

દેશમાં ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને નવ વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી સમગ્ર દેશમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ આરોપી નંદલાલ કેસરીસિંહ રાજપૂતની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બનવની પ્રાપ્ત  વિગતો અનુસાર, વર્ષ 2018માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફીનોમીનલ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એજન્ટો રોકીને લોકો પાસે તેમની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઇન્વેસ્ટમેન્ટનું કંપની દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને 9 વર્ષે નાણા ડબલ કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સ્કીમમાં છ વર્ષની મેડિકલ સુવિધા પણ આપવામાં આવી હતી. જેમાં છ વર્ષ દરમિયાન નાણાં રોકનારને કોઈપણ નાની મોટી બીમારી આવે તો તેનો ખર્ચ કંપની ચૂકવશે. તેવી લોભામણી સ્કીમ આપવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ આચરવા માટે કંપની દ્વારા અલગ-અલગ એજન્ટો નીમવામાં આવ્યા હતા. તેમજ કસ્ટમર લાવનાર એજન્ટોને વિદેશની ટ્રીપ પણ કરાવવામાં આવતી હતી અને મોટું કમિશન પણ આપવામાં આવતું હતું.

આ પ્રકારની સ્કીમમાં સુરતના લગભગ 800 જેટલા લોકોએ 7 કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને વર્ષ 2017 માં જે સમયે પોલિસીની રકમ પાકતી હતી તે સમયે આ કંપનીના માલિકો સુરત ખાતે આવેલી તેમની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી રોકાણ કરનાર તમામ લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ તમામ લોભામણી સ્કીમ આપનાર ફીનોમિનલ કંપનીના ચેરમેન અને મુખ્ય સૂત્રધાર નંદલાલ કેસરીસિંહ રાજપુત કૌભાંડ આચાર્ય બાદ ફરાર હતો. જો કે તેની વિરુદ્ધ સુરત સહિત મુંબઈ અને પુણેમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ કેરળમાં પણ તેની વિરુદ્ધમાં 112 જેટલી ફરિયાદ નોંધાઈ છે. આ તમામ ફરિયાદોને આધારે સમગ્ર દેશમાંથી જો છેતરપિંડીની રકમનો આંકડો ભેગો કરવામાં આવે તો 100 કરોડથી વધુની ઠગાઈ નંદલાલ રાજપૂત અને તેના પાર્ટનરો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં નોંધાયેલી ફરિયાદ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી કંપનીનો ચેરમેન અને સૂત્રધાર નંદલાલ ફરાર હતો. જોકે મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનાના કામે તેની ધરપકડ કરવામાં આવી હતી અને નંદલાલ લાતુર ની જેલમાં બંધ હતો. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટ થી નંદલાલની લાતુર જેલમાંથી ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નંદલાલની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ તેની કંપનીમાં તેના અન્ય ભાગીદારો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેણે અન્ય કયા કયા રાજ્યોમાં કૌભાંડ આચાર્ય છે. તે બાબતની વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(12:10 am IST)