Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ

સીલ કરવાનું એક સપ્તાહ નાટક ચાલશે પછી પહેલાંની જેમ થઇ જશે : દિનેશ શર્મા

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં  આગની ઘટનામાં 8 દર્દીના મૃત્યુને લઇને કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો છે કે, આ હોસ્પિટલમાં જે ચોથા માળ પર ICU આવેલો હતો તે ચોથો માળ જ ગેરકાયદેસર હતો. કોર્પોરેશને પૈસા કમાવવાની લ્હાયમાં ગમે તે બિલ્ડીંગોને ઇમ્પેક્ટ ફી વસૂલીને કાયદેસરની મ્હોર મારી દીધી છે. તેનાથી કોર્પોરેશનની પોલ ખૂલી ગઇ છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે,1996માં શ્રેય હોસ્પિટલના પ્લાન પાસ કરવામાં આવ્યાં બાદ એક વધારાનો માળ ચણી દેવાયો હતો. જ્યાં હાલમાં આઇસીયુ વોર્ડ કાર્યરત હતો. ઉપરાંત માર્જીનની જગ્યામાં કેન્ટીન ચાલતી હતી. આ તમામ ગેરકાયદેસર બાંધકામોને વર્ષ 2016માં ઇમ્પેક્ટ ફીનાં કાયદા અંતર્ગત રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવ્યો હતો. પણ 1996થી 2016 સુધી આ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે કેટલી નોટીસ ઇસ્યુ કરી અને તેને તોડી પાડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો જાહેર કરાતી નથી.

વધુમાં દિનેશ શર્માએ જણાવ્યું કે,કોર્પોરેશન દર વખતની માફક આ વખતે પણ આગ લાગ્યા બાદ કૂવો ખોદવા કે ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી કાર્યવાહી કરશે. સીલ કરવાનું એક સપ્તાહ નાટક ચાલશે પછી ઘટનાની ગંભીરતા ઘટતાં જ પહેલાંની જેમ થઇ જશે. ગેરકાયદે બાંધકામો બંધાશે, ફાયર NOC વિનાની હોસ્પિટલો, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ મિલકતો ધમધમશે અને હપ્તા લઇ મ્યુનિ.નાં અધિકારીઓ અને સત્તાધીશો ધનસંચય કરશે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, “2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા માત્ર રાજકીય ફાયદા માટે ઇમ્પેક્ટ ફી કાયદો લવાયો હતો. ઇમ્પેક્ટ ફીના કાયદામાં 2.43 લાખ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવાની અરજીઓ આવી હતી. જેમાંથી 1.26 લાખ અરજીઓ રેગ્યુલરાઇઝ કરી હતી. જેમાંથી મ્યુનિ.ની તિજોરીને 349 કરોડની આવક થઇ હતી. પણ રાજકીય ફાયદા માટે કરાયેલો આ નિર્ણય હવે અમદાવાદીઓ માટે જોખમરૂપ બની ગયો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ જ રીતે અગાઉ વસ્ત્રાપુર હિમાલયા મોલની સામેના કોમ્પ્લેક્ષના ભોંયરામાં આવેલા ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી. તે પણ ઇમ્પેક્ટ ફી લઇને જ રેગ્યુલરાઇઝ કરાયું હતું. આવા તો અનેક કિસ્સાંઓ છે. કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર 309 હાઇરાઇઝ બિલ્ડીંગનું લીસ્ટ મૂકેલું છે. આ તમામ બિલ્ડીંગો પાસે ફાયર NOC નથી. છતાં આ બિલ્ડીંગોનું લીસ્ટ જાહેર કરીને મ્યુનિ. તંત્ર હાથ ઊંચા કરી દીધાં છે.

કોઇ બિલ્ડીંગ ફાયર NOC રિન્યુ કરાવવા ન આવે તો તેને બીજા દિવસે સીલ કરી દેવું જોઇએ અથવા વપરાશ બંધ કરી દેવો જોઇએ. પરંતુ શ્રેય હોસ્પિટલ ચાર મહિનાથી ફાયર NOC વગર ચાલતી હતી. આવી તો સેંકડો હોસ્પિટલો છે જે ફાયર NOC વિના ધમધમી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મેયર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રાજીનામું આપી દેવું જોઇએ. જવાબદાર હોસ્પિટલ સંચાલકોની સાથે અધિકારીઓ સામે પણ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવો જોઇએ. મૃતકના પરિવારને 21 લાખ રૂપિયાની સહાય ચુકવવા માંગણી કરી છે.”

જો કે આ અંગે કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું છે કે, “શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોને સહાયની પણ જાહેરાત કરી છે. આવી અત્યંત દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરી રહ્યું છે. આવા અત્યંત સંવેદનશીલ પ્રસંગે આપણા જ શહેરીજનોના મત્યુ પર રાજકારણ કરવું અયોગ્ય છે.”

વધુમાં મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા અર્થે રાજ્યનાં બે વરિષ્ઠ અધિકારીઓમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવની કમિટીની રચના કરી છે.

આ સમિતિએ ઘટનાસ્થળની મુલાકાત લઇને તપાસનો પ્રારંભ કર્યો છે. તેની સાથે અમદાવાદ શહેરમાં આવેલી અન્ય કોવિડ 19 હોસ્પિટલોની પુન: ચકાસણી કરવા કોર્પોરેશન દ્રારા ઉચ્ચ અધિકારીઓની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં IAS ડો. મનીષકુમાર, ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુર તથા બીજા બે તજજ્ઞો સામેલ છે. આ સમિતિ બે દિવસમાં વિવિધ પાસાઓની અમલવારીની પુન: ચકાસણી કરશે.

તેમણે વધુમાં વિપક્ષ પર માછલાં ધોતાં કહ્યું કે, “કોર્પોરેશનના હોદ્દેદારોએ ઘટનામાં કોઇ પણ પ્રકારની ગેરરિતિ અથવા ભ્રષ્ટાચાર કર્યો નથી. માલૂમ પડશે તો સંબંધિત કસુરવાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષના આવા વલણને સત્તાધારી પક્ષ કડક શબ્દોમાં વખોડે છે. આવા સમયે અસંબંધિત આક્ષેપો કરવાની જગ્યાએ વિપક્ષ પોતાના ભૂતકાળનું આત્મચિંતન કરવાની જરૂર છે. એવાં ઘણાંય દાખલા આપી શકાય છે કે ભૂતકાળમાં વિપક્ષના શાસનમાં અનેક ભ્રષ્ટાચારો થયા છે.”

(11:15 pm IST)