Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દોડતી થઇ:અડાલજ પોલીસે બાતમીના આધારે દરોડા પાડી સંતાડેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે ઉવારસદના રણજીતપુરામાં દરોડો પાડીને બુટલેગરના મકાનમાં સંતાડાયેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. ૮૮૦ વિદેશી દારૂની બોટલો કબ્જે કરીને ર.૭પ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી. આટલા મોટા પ્રમાણમાં દારૂ બુટલેગર કયાંથી લાવ્યો હતો તે જાણવા પોલીસે મથામણ શરૂ કરી છે.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ આ દારૂના જથ્થાને પકડવા મથતી હોય છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને એલર્ટ રહીને દારૂની હેરાફેરી અટકાવવા તાકીદ કરવામાં આવી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉવારસદ ગામે રણજીતપુરા જોગણીમાતાના મંદિર પાસે પોપટપુરામાં રહેતો ભુપત ઉર્ફે ભોપો પ્રહલાદજી ઠાકોર  તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં ભુપત મળી આવ્યો નહોતો પરંતુ તેના મકાનમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૮૮૦ બોટલ મળી આવી હતી. ર.૭પ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે ભુપતની શોધખોળ શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં આ બુટલેગર દારૂ કયાંથી લાવ્યો તે જાણવા માટે પણ પોલીસ દોડી રહી છે. 

(8:57 pm IST)