Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમદાવાદની ૨૦૨૨ હોસ્પિટલો પૈકી ફકત ૯૧ પાસે જ ફાયર NOC

ઘણા પાસે ફાયર સેફટી ડોકયુમેન્ટ્સ નથી અથવા તેમના કર્મચારી સભ્યો અગ્નિશામકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણતા નથી

અમદાવાદ તા. ૭ : ગુરૂવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું કે, શહેરની ૨,૦૨૨ હોસ્પિટલો અને કિલનિકસમાંથી માત્ર ૯૧ જ ફાયર સેફટી ઓડિટ રિન્યુ કરાવ્યું છે અને નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા છે. એમ ખુદ AMCના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. સલામતીના નિયમોનું ઉલ્લંઘન ફકત ખાનગી મથકોમાં જ મર્યાદિત નથી, શહેરની અન્ય પબ્લિક હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સમાં પણ તેમની ફાયર NOC રિન્યુ કરવામાં આવી નથી. જે હોસ્પિટલમાં ૮ દર્દીઓના સળગીને મોત થયા એવા શ્રેય હોસ્પિટલ પાસે પણ ફાયર સેફટીનું NOC નહોતું.

સિવિક બોડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની હોસ્પિટલો અને કિલનિકસમાં ફાયર સેફટીનો મુદ્દો શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ચર્ચા માટે આવ્યો હતો. એએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે અમદાવાદની ૨૦૨૨ હોસ્પિટલો અને કિલનિકસમાં ફકત ૯૧ લોકોએ સિવિક બોડી પાસેથી ફાયર સેફટીનું સર્ટિફિકેટ રિન્યુ કરાવ્યું છે.

સિવિક બોડીના અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થાની ફરજ છે કે તેઓએ જે હોસ્પિટલોએ ફાયર સેફટીનું NOC રિન્યું ન કરાવી હોય તો તેમને નોટિસ ફટકારવી જોઈએ. એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'જયારે હોસ્પિટલો અને કિલનિકસ તેમની એનઓસી રિન્યુ ન કરાવી નિયમોનું ઉલ્લંઘન કરે છે એવા સંજોગોમાં પણ નાગરિક સંસ્થા કયારેય હોસ્પિટલોને નોટિસ ફટકારી નથી.'

સિવિક બોડી તમામ સંસ્થાઓ-હોસ્પિટલ્સ અને કિલનિકસને સુરતના અગ્નિકાંડ બાદ જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ મુજબ સલામતીની સાવચેતી અને સાધનોની સૂચિ અંગેની સૂચનાઓ જાહેર કરશે. બીજી તરફ એક અધિકારીએ જણાવ્યું કે, સિવિક બોડીએ હોસ્પિટલો અને કિલનિકસ સહિતના મથકોને આવી કોઈ નોટિસ જારી કરી નથી.

એએમસીમાં દાખલ કરવામાં આવેલી આરટીઆઈ પિટિશન અનુસાર, શહેરમાં ૯૮૫ રજિસ્ટર્ડ હોસ્પિટલો છે જેમાં ૧૨૯૭૮ બેડ છે, અને આમાંથી માત્ર ૫્રુ હોસ્પિટલોએ જ તેમની ફાયર એનઓસીને રિન્યુ કરવાની તસ્દી લીધી હતી.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ શહેરની કોવિડ -૧૯ નિયુકત હોસ્પિટલોની તપાસ શરૂ કરી હતી. ફાયર ઓફિસરે કહ્યું, 'અમે ૩૧ હોસ્પિટલોની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તેમાંથી ઘણા પાસે ફાયર સેફટી ડોકયુમેન્ટ્સ નથી અથવા તેમના કર્મચારી સભ્યો અગ્નિશામકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણતા નથી.'

(11:38 am IST)