Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નવા ઉદ્યોગોને સરકાર જમીન આપશેઃ SGST વળતરોને ડિ-લિંક કરવા નિર્ણય

સરકારની વર્ષગાંઠે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરતા વિજયભાઇઃ ઉદ્યોગોને મોટી સંખ્યામાં MSME : પ વર્ષ ઇલેકટ્રિક ડયુટીમાંથી મુકિતઃ ઉદ્યોગોને અપાતા વળતરની મહત્તમ મર્યાદા નહિઃ સંશોધન પર વધુ ભાર

 ગાંધીનગર તા. ૭ :.. આજે સ્વર્ણિમ સંકુલ ખાતે રાજયની ઔદ્યોગિક નવી પોલીસી વર્ષ ર૦ર૦ થી ર૦રપ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજયએ ર૪૦ ટકાનો ઇમ્ક્રીમેન્ટ પ્રાપ્ત કર્યો છે. નવા ઉદ્યોગોને લીઝ પર જમીન  આપવાની પ વર્ષ ઇલેકટ્રીક ડયુટીમાંથી મુકિત આપવાની વગેરે જાહેરાત કરી છે.

સમગ્ર દેશમાં રાજયમાં બેકારી દર ઓછો છે. હાલ ગુજરાતમાં ૩.પ લાખ ઉદ્યોગો દ્વારા રોજગારી ફાળવામાં આવે છે. ભારતના કુલ ઔદ્યોગિક એકમના હિસ્સાને ધ્યાને લઇએ તો ૧૭ ટકાથી ગુજરાત નં. ૧ છે. ગુજરાતમાં જી. ડી. પી.માં અગ્રેસરતા દાખવી છે.

રાજયના આત્મ નિર્ભર ગુજરાતનો આ નવી પોલીસીમાં તપાસ થશે. આધુનિક ગુજરાતનું નિર્માણ થશે આજે ગુજરાત ઔદ્યોગિક પોલીસી ર૦ર૦ ની જાહેરાત કરી રહ્યા છીએ. તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, મુખ્ય સચિવ મુકિમ હાજર હતાં.

વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે, ભારત સરકારના જાહેર થયેલા આંકડા પ્રમાણે ર૦૧૯માં ગુજરાત ૪૯ બિલીયન યુ.એસ.ડોલરના IEM સાથે સમગ્ર દેશમાં કુલ IEMના પ૧ % હિસ્સો ધરાવતું એક માત્ર રાજય છે. ભારતમાં ૨૦૧૯ દરમિયાન પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ્સ (IEMs)માં ૪૮% નો વધારો થયો, તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ૩૩૩%નો વધારો નોંધાયો છે. એટલે કે, સમગ્ર દેશના વધારા કરતાં ગુજરાતનો વધારો અનેક ગણો વધુ છે.

મૂડીરોકાણ પણ ટેકસ્ટાઈલ, કેમિકલ્સ, ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, પ્લાસ્ટિક, એનર્જી અને પાવર, ફુડ પ્રોસેસિંગ સહિતના વિવિધ અલગ-અલગ ક્ષેત્રોમાં થવા પામ્યું છે.

ગુજરાતે પાછલા વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં FDIના ઇનફલોમાં ૨૪૦% નું સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું છે. ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર પણ સૌથી ઓછો  ૩.૪% છે.

૨૦૧૪-૨૦૧૫થી લઇને અત્યાર સુધીમાં ગુજરાતમાં MSMEs (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો)ની સંખ્યામાં ૬૦%નો વધારો થયો છે અને હાલ ગુજરાતમાં ૩૫ લાખ જેટલાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, જેઓ રોજગારી માટેનો સૌથી મોટો  સ્ત્રોત MSME છે અને મોટી ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ હિસ્સો પણ MSME જ છે.

જો રાષ્ટ્રીય આંકડાઓ પર એક નજર નાંખીયે તો ગુજરાત અનેક ક્ષેત્રોમાં અન્ય રાજયોથી ઘણું આગળ છે તે વાત ફલિત થાય છે. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના ૧૭% હિસ્સા સાથે ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.  DPIIT દ્વારા આપવામાં આવેલા 'સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કિંગ૨૦૧૮'માં ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ છે.

આ જ પદ્ઘતિએ જો રાજયનો વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીમાં દર વર્ષે સરેરાશ અંદાજે ૮ હજાર કરોડ આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અદાજ છે.

આ પોલિસીમાં મુખ્યત્વે સર્વાંગી અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં આપણું નોંધપાત્ર યોગદાન આપી શકીએ.

આપણા આંકડાઓ પોતે જ સ્વયં બોલે છે કે, આપણા વાઇબ્રન્ટ રાજયએ ખૂબ ઝડપી વિકાસ સાધ્યો છે અને તે જોતાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૧૫ના ઘણાખરાં ફીચર્સ આ નવી પોલિસીમાં પણ ચાલુ રાખવામાં આવ્યા છે. તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

થ્રસ્ટ સેકટર :  વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એકસપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને ૧૫ થ્રસ્ટ સેકટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેકટર્સને બે મોટાં જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ૧) કોર સેકટર્સ અને ૨) સનરાઇઝ સેકટર્સ.

કોર સેકટર્સમાં એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત પાસે પહેલેથી જ મેન્યુફેકચરિંગ માટેનો મજબૂત બેઝ છે અને જેમાં વૈશ્વિક સ્તરે વધુ વેગ આપવાની સંભાવનાઓ છે, જેવાંકે ઇલેકિટ્રકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિકસ, ફાર્માસ્યુટિકલ્સ વગેરે.

 સનરાઇઝ સેકટર્સમાં એવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં ટેકનોલોજીકલ પ્રગતિ માટેની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે, ઇલેકિટ્રક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ્સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇકિવપમેન્ટ, સોલાર/વિંડ ઇકિવપમેન્ટ અને એકસપોર્ટ આધારિત એકમો. થ્રસ્ટ સેકટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

કેપિટલ સબસીડી : જયારથી GST લાગુ કરવામાં આવ્યો ત્યારથી, ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજયની અંદર વેચવાણ ઉપર 'નેટ SGST' પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યું હતું. તેના કારણે રાજયની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેકસની ગણતરી કરવામાં આવતી મુશ્કેલીઓ સરળ કરવાનો વિચાર આ પોલિસીમાં કરવામાં આવ્યો છે. અને    SGST ના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવો સાહસભર્યો નિર્ણય કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. હવે, મોટાં ઉદ્યોગોને રાજયમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI) એટલે કે પાત્ર મૂડીરોકાણના ૧૨ % ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે. પરિણામે, વળતરની રકમના કલેઇમ વધુ પારદર્શક અને ચોક્ક્સાઈ વાળા થશે, જેનાથી ઉદ્યોગોને ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ થશે.

કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઈ મહત્ત્।મ મર્યાદા રાખવામાં આવી  નથી. આ નિર્ણયથી રાજયમાં મોટાં મૂડીરોકાણો લાવવામાં ઘણી મદદ મળશે.

આ લાભ વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચ મર્યાદામાં ૧૦ વર્ષ સુધી આપવામાં આવશે. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી ૧૦ વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. ૪૦ કરોડ જ રહેશે તેવી શરત સાથે  ૧૦ વર્ષની સમયમર્યાદામાં વધુ ૧૦ વર્ષનો વધારો કરી આપવામાં આવશે. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો મળવાપાત્ર કેપીટલ સબસીડી ૨૦ વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ ૨૦ વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે. આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેકિટ્રસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ  છે. 

MSME : MSMEની  વ્યાખ્યા ભારત સરકારે કરેલી વ્યાખ્યા મુજબ કરવામાં આવશે જેથી મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો પ્લ્પ્ચ્ પોલિસીઓ હેઠળ કરવામાં આવેલી જોગવાઇઓનો લાભ મેળવી શકશે.

કેપિટલ સબસીડીૅં MSMEs ને પાત્ર ધિરાણની રકમના ૨૫% સુધીની અને મહત્ત્।મ રૂ.૩૫ લાખ સુધીની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.

વધુમાં, જો પ્રોત્સાહનપાત્ર ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રૂ.૧૦ કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને રૂ.૧૦ લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.

ઇન્ટરેસ્ટ સબસીડી : MSMEs ને ૭ વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના ૭% સુધી અને મહત્ત્।મ રૂ.૩૫ લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.

મેન્યુફેકચરિંગ સેકટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની ૧ % ઈન્ટરેસ્ટ સબસીડી. 

સેવા ક્ષેત્રના MSMEs : રાષ્ટ્રીય જીડીપીમાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ મોટો છે. અન્ય પ્રાઇમરી અને સેકન્ડરી ઉદ્યોગોની સુવિધા માટે ઘણી સેવાઓ મુખ્ય ઇનપુટ્સ છે. નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૨૦ રાજયમાં સ્થિત સેવા ક્ષેત્રના MSMEs ને ૭ % સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કંસ્ટ્રકશન સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

રાજય સરકાર દ્વારા મોટા પાયાના ઉદ્યોગોને આધારીત સર્વિસ સેકટર માટેની પોલિસીના ઘડતરનું કામ પણ ચાલી રહ્યું છે.

MSMEs દ્વારા વિદેશી ટેકનોલોજીઓનું સંપાદન : રાજય સરકાર પહેલી વખત વિદેશી પેટન્ટેડ ટેકનોલોજીઓને સંપાદિત એકવાયર કરવા કરવાના કુલ ખર્ચના ૬૫% સુધીની નાણાકીય સહાય પ્રદાન કરશે. (મહત્ત્।મ રૂ.૫૦ લાખ સુધીના સહાય આપવામાં આવશે.) આના પરિણામે MSMEsના ઉત્પાદન ક્ષમતા વધારવામાં અને વૈશ્વિક સ્તરે તેમને સ્પર્ધાત્મક બનાવવામાં ખૂબ મદદરૂપ થશે.

MSMEsને બજાર વિકાસમાં સહાયતા : MSMEsને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા પ્રોત્સાહિત કરવા માટે, નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ભારતમાં યોજાયેલા એકિઝબિશનમાં MSMEsને સ્ટોલ નાખવાના કુલ ભાડાના ૭૫% નાણાકીય સહાય (મહત્ત્।મ રૂ.૨ લાખ) અને ભારતની બહાર યોજાયેલા એકિઝબિશનમાં સ્ટોલ નાખવાના કુલ ભાડાના ૬૦% નાણાકીય સહાય (મહત્ત્।મ રૂ. ૫ લાખ) પ્રદાન કરશે.

MSMEsને સૂર્યઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા : MSMEs એકમમાં રૂફટોપના ઉપયોગથી સોલર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદ્દેશથી યુનિટ્સના વપરાશની ગણતરી માટેની પાવર સાયકલની ગણતરી ૧૫ મિનિટથી વધારીને સવારના ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે. તદુપરાંત, MSMEs પાસેથી વધારાની સૂર્યઊર્જા (સરપ્લસ સોલર પાવર) ખરીદવા માટેની કિંમત રૂ.૧.૭૫ પ્રતિ યુનિટથી વધારીને રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટ કરી દેવામાં આવી છે.

વધુમાં, પ્રવર્તમાન ઉદ્યોગોમાંથી જે સૂર્યઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તેમને ટર્મ લોન પર ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે.

આ ઉપરાંત, જે MSME એકમો એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તેમજ ZED સર્ટિફિકેશન જેવા ગુણવત્તાલક્ષી સર્ટિફિકેટશ, પેટન્ટ ફાઈલિંગ જેવા પાસાઓ અપનાવે તેમને ઈન્સેન્ટીવ આપવામાં આવશે.

સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ : એક અહેવાલ પ્રમાણે દેશના ૪૩% ફંડેડ સ્ટાર્ટઅપ માત્ર અમદાવાદમાં છે જેના કારણે ગુજરાત દેશનું મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૩૦ લાખ સુધીનો કરવામાં આવ્યો છે.

સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ માસથી વધારીને રૂ. ૨૦,૦૦૦ કરવામાં આવ્યું છે. તેમજ  જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ રૂ. ૨૫,૦૦૦ પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું છે.

વધારામાં, સ્ટાર્ટ-અપ્સના મિડ-લેવલ પ્રી-સીરીઝ A ફંડિંગ માટે, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ(GVFL) હેઠળ એક અલગ ફંડનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ટાર્ટ-અપ્સને ૧% વધારાની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. (એટલેકે ટર્મ લોન પર ૯% સુધી.)

રિલોકેશન ઇન્સેન્ટિવ્સ : કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં, ઘણા કપનીઓ તેમના ઉત્પાદનના એકમ રિલોકેટ કરવાની અને/અથવા સપ્લાય ચેઇન્સમાં વિવિધતા લાવવા અંગે વિચારણા કરી રહ્યા છે. અન્ય દેશોમાંથી રિલોકેટ (સ્થળાંતર) કરવાની યોજના બનાવી રહેલી આવી કંપનીઓને ગુજરાતમાં  ઉત્પાદનના એકમ સ્થાપવા કેસ ટુ કેસ વિશેષ ઇન્સેન્ટિવ્સ આપશે.

ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ : રાજયમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાકર્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ખાનગી ડેવલપર્સને ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના ૨૫% (રૂ.૩૦ કરોડ સુધી) ઇન્સેન્ટિવ્સ આપશે. વનબંધુ તાલુકાઓના કેસમાં, ઇન્ડસ્ટ્રિયલ પાકર્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના ૫૦% (રૂ. ૩૦ કરોડ સુધી)નો સપોર્ટ કરશે. તેનાથી ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણને અને લાસ્ટ માઇલ કનેકિટવિટીના વિકાસને સપોર્ટ મળશે.

સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ

GPCB દ્વારા પ્રમાણિત થયા મુજબ 'ઝીરો લિકિવડ ડિસ્ચાર્જ' દ્વારા ઓછામાં ઓછી ૫૦% વેસ્ટ રિકવરીની પદ્ઘતિને અનુસરતા ઉદ્યોગોને ૫૦% (રૂ.૭૫ લાખ સુધી) કેપિટલ સબસીડી આપવામાં આવશે.

પ્રવર્તમાન પ્રક્રિયાઓને બદલે ઉત્પાદન માટેની સ્વચ્છ અને શુદ્ઘ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આ પોલિસી MSMEsને પ્લાન્ટ અને મશીનરીની કિંમતના ૩૫% અને મોટા ઔદ્યોગિક એકમોને પ્લાન્ટ અને મશીનરીની કિંમતના ૧૦% (મહત્તમ રૂ.૩૫ લાખ સુધી)ના ઇન્સેન્ટિવ્સ આપશે. આવી ટેકનોલોજીમાં કાચા માલનું સબસ્ટિટ્યુશન અને ઓપ્ટિમાઇઝેશન, પાણીના વપરાશમાં અથવા ઊર્જાના વપરાશમાં અથવા કચરાના ઉત્પાદનમાં ઘટાડો જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ માટેનો સપોર્ટ કુલ પ્રોજેકટ કોસ્ટના પ્રવર્તમાન ૨૫ % થી વધારીને ૪૦ % કરવામાં આવ્યો છે. જેમાં મહત્ત્।મ રૂ.૫૦ કરોડ સુધીની સહાયતા પ્રદાન કરવામાં આવશે.

ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ સ્થાપિત કરવા માટે કે તેના રિલોકેશન માટે અથવા તો પ્રવર્તમાન પ્રદૂષણકારી ઔદ્યોગિક એકમનું રેટ્રોફિટિંગ કરીને તેને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સમાં ફેરવવા માટે પ્રોજેકટ કોસ્ટના ૨૫% (રૂ.૨૫ કરોડ સુધી) ની નાણાકીય સહાય.

ઓછામાં ઓછા ૧૦ MSME એકમો દ્વારા સ્થાપિત સ્પેશ્યલ પરપઝ વ્હીકલના કોમન બોઈલર પ્રોજેકટને ફિકસ્ડ એસેટ્સના ખર્ચના ૫૦% જેટલું ઈન્સેન્ટીવ રૂ. ૨ કરોડની મર્યાદામાં આપવામાં આવશે. 

ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ (IFP) - મેગા ઓનલાઇન પરમિશન

ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ સ્ટેટ સિંગલ વિંડોમાંથી લગભગ ૫ લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. રાજયમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વાતાવરણને વધુ મજબૂત કરવા માટે, માટેનું એક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના માટે રોકાણકારોને રાજયો સંબંધિત વિવિધ ર૬ મંજૂરીઓ અને અનુપાલન માટે માત્ર એક જ અરજી ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે.

સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમ

રાજયમાં પારદર્શીતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપવા સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે.

પાઇપલાઇનમાં હોય તેવા ઊદ્યોગો માટે

અગાઉની-ર૦૧પની પોલીસી અંતર્ગત જે પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કે છે. આવા પ્રોજેકટસને ઉત્પાદનમાં જવા અને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના ૧ વર્ષસુધીમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે. જયારે  કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના બે વર્ષમાં કાર્યરત કરવાનો  સમય આપવામાં આવશે.

(3:14 pm IST)