Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કલોલના નાંદોલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા:વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે એક શખ્સની ધરપકડ કરી

કલોલ: શહેરના નાંદોલીમાં આવેલા વાત્સલ્યમ-૧ના બંગલોમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો કરી વિદેશીદારૂની ૧૧૪ નંગ બોટલ સહિત ૭૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઇ એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે સાંતેજ પોલીસે પણ લોખંડના કેબિનમાંથી ૧૪૪ નંગ વિદેશીદારૂનો જથ્થો કબ્જે લઇ બે આરોપીને વોન્ટેડ બતાવ્યા હતાં.

કલોલના નાંદોલીમાં આવેલા વાત્સલ્યમ-૧ના બંગલા નંબર-૧૧૭માં વિદેશીદારૂનો જથ્થો પડયો હોવાની તથા વિદેશીદારૂનો વેપાર થતો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે ગઇકાલે વહેલી સવારે દરોડો કર્યો હતો. જેમાં બંગલામાંથી ૧૧૪ નંગ વિદેશીદારૂની બોટલ કિંમત રૂપિયા ૬૮,૨૮૦ તથા બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૦,૭૮૦નો મુદ્દામાલ કબ્જે લઇ મિથુન દિલીપભાઇ દરજીની ધરપકડ કરી હતી. વિદેશીદારૂનો જથ્થો સારંગપુરના સૈયદના ડેલામાં રહેતો મનીષ દિલીપભાઇ રાઠોડે પુરો પાડયો હતો અને મિથુન દરજીને ભાડેથી બંગલો અપાવી તેને મહિને પગાર પણ ચૂકવતો હતો. જેથી પોલીસે કેસમાં મનીષ રાઠોડને પણ વોન્ટેડ બતાવી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. જ્યારે બીજા એક દરોડામાં સાંતેજ વિસ્તારમાં આવેલી જયોતિ રેજીંસ એન્ડ અધેસિવ કંપનીના ગેટની બહાર નજીકમાં મુકેલા કેબિનમાં પણ વિદેશીદારૂનો જથ્થો પડયો હોવાની બાતમીને આધારે સાંતેજ પોલીસે દરોડો કરી કેબિનમાંથી વિદેશીદારૂની ૧૪૪ નંગ બોટલ કિંમત રૂપિયા ૭૨૦૦૦નો જથ્થો પકડી પાડયો હતો અને કેસમાં સાંચોર બનાવસકાંઠાના શૈલેષ ચતુરભાઇ બારોટ અને સાંતેજની રામદેવ સોસાયટીમાં રહેતા અશોકજી ઉર્ફે લાલો દલાજી ઠાકોરને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બનાસકાંઠાનો શૈલેષ બારોટ વિદેશીદારૂનો જથ્થો લાવી અશોકજીને આપતો હતો અને બંને ભાગીદારીમાં દારૂનું વેચાણ કરતા હતા. સાંતેજ પોલીસે બંને આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

(5:12 pm IST)