Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરતમાં ધન્‍વન્‍તરી રથ ઉપર રેપીડ ટેસ્‍ટના રૂ.450 વસુલવામાં આવતા ભારે રોષઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

સુરત: સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા ધન્વન્તરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અહી સવાલ તે ઉઠે છે કે, સુરત મનપાના કર્મીઓ જ જો આવી રીતે લૂંટતા રહેશે તો લોકો ક્યાં જશે? આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી?

અનલોક-1 બાદ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને રોજના 200 થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટ કરવા માટે રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી છે. સુરત મનપા દ્વારા રેપિડ ટેસ્ટ મફત કરવામાં આવે છે. ત્યારે સુરત મનપા કર્મીઓ દ્વારા રેપિડ ટેસ્ટના રૂપિયા વસૂલાતા હોવાનું સામે આવ્યું છે. તેમજ મફત ટેસ્ટ છતાં 450 રૂપિયા લેતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. આ દરમિયાન લોકો પાસેથી 450 રૂપિયા લેવામાં આવ્યા છે. જેને લઇ પાલિકા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ લોકો કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે શું સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ નથી? મફત ટેસ્ટ છતા કેમ રૂપિયા વસૂલાય છે? રેપિડ ટેસ્ટના રૂપિયા લઇ લોકોને કેમ લૂંટવામાં આવે છે? સુરત મનપાના કર્મી જ જો આવી રીતે લૂંટતા રહેશે તો લોકો ક્યાં જશે? આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી? તેવા સવાલો લોકોએ કર્યા હતા.

(5:18 pm IST)