Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્‍ટેશનના મહિલા લોકરક્ષક કર્મચારીને પછાડી દઇને 2 શખ્‍સો સોનાનો ચેઇન લઇને નાસી છૂટયા

અમદાવાદ: શહેરમાં હવે ધીમે ધીમે ગુનાખોરીનો દોર પુર્વવત્ત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નજીવી બાબતમાં મારા મારી, હત્યા, ચોરી અને ચેન સ્નેચિંગના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે ઇસમો ફરાર થઇ ગયા છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક એક્ટિવા લઇને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેક્ષટાઇલ પાસેથી પોલી સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા. સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઇ ગયા હતા.

ફરિયાદી એક્ટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાના ભાગે સામાન્ય ઇજા પણ થઇ હતી. જો કે પોલીસનું જ ચેઇન સ્નેચિંગ થતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચેઇન સ્નેચરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(5:21 pm IST)