Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વિરમગામ, માંડલ, દેત્રોજમાં બોળચોથે બહેનોએ ગાય વાછરડાનું પુજન કર્યુ, શનિવારે નાગપંચમી

નાગપૂજાની પરંપરા રહી યથાવત, નાગપંચમીના દિવસે નાગદેવતાની પુજા કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રાવણ વદ ચોથને બોળચોથ તરીકે ઉજવાય છે. વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા તાલુકામાં મોટી સંખ્યામાં બહેનોએ શુક્રવારના દિવસે બોળચોથનું વ્રત રાખ્યુ હતુ. મહિલાઓ દ્વારા વિવિધ મંદિરોમાં કે પોતાના ઘરે વાછરડા સાથેની ગાયનું પૂજન કરવામાં આવ્યુ હતુ. બોળચોથની વ્રતમાં ગૌમાતાનું પૂજન કરાય છે. આ દિવસે ગૌસેવાનું આનોખુ મહત્વ છે. બોળચોથના દિવસે વ્રત કરનારી બહેનોએ વસ્તુ ખાંડવુ, દળવુ જેવા કામ ટાળ્યા અને ઘરમાં છરી-ચપ્પુનો પણ ઉપયોગ કર્યો ન હતો અને બહેનોએ ઘઉંનો ઉપયોગ કર્યો ન હતો. વ્રત કરનાર બહેનોએ એકટાણું કર્યુ હતુ. વ્રતને લઇને ઘણા બધા રીત-રિવાજો અને પૌરાણિક કથાઓ ચાલી રહી છે. બહેનોએ ગાયના શિંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવી પૂછડે જળાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરી હતી. 

 હિન્દુ પરંપરામાં તહેવારોનું આગવુ મહત્વ રહેલુ છે.  દેવી દેવતાઓના પૂજન કરી અહીં તહેવારો ઉજવાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસનાના દિવસો. શનિવારે શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઉજવણી કરવામાં આવશે. નાગપંચમીના દિવસે નાગ દેવતા ઉપાસના કરનારને ખુબ ધન પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. વિરમગામ, માંડલ, દેત્રોજમાં નાગપંચમીના દિવસે નાગદેવતાની પુજા કરવામાં આવશે. નાગપંચમીના દિવસે નાગ દર્શનનું વિશેષ મહત્વ છે. ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે

(6:17 pm IST)