Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોનાના કારણે રાજ્યમાં મેળા, તાજીયા,પદયાત્રા પર પ્રતિબંધ

કોરોના સંક્રમણ અટકાવવા નિર્ણય : ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણીથી દૂર રહેવા, કોરોનાનાં સંક્રમણને અટકાવવામાં સહભાગી થવા સરકારની અપીલ

ગાંધીનગર,તા.૭ :  કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા- સંઘો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા પ્રદીપસિંહએ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ  રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો,  ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ - તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે.

              આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.તેમણે ઉમેર્યુ કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી  પદયાત્રા નહી યોજવા માટે રજૂઆતો મળી છે. એ તમામ લોકોની રજૂઆતો અમે સાંભળી છે અને તેઓની રજૂઆત ધ્યાને લઇને હાલની પરિસ્થિતિને અનુરૂપ રહી કોરોનાના કાળમા પગપાળા સંઘ નહી કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે ગણપતિ મહોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિનુ પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ આ વેળાએ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ કરી છે.

(9:47 pm IST)