Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને આવકારતા સીઆર પાટીલ

રૂપાણી સરકારના ચાર વર્ષ પુરા થયા : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસીથી રાજ્યના સર્વાંગી વિકાસની યાત્રાને વેગ મળશે, રોજગારીનું સર્જન થશે

ગાંધીનગર,તા.૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ જાહેર કરાયેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૦ને આવકારતા ભાજપ પ્રદેશ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૦ રાજ્યના સર્વાંગી વિકાસની યાત્રાને વેગ આપશે, રોજગારીની નવી તકોનું સર્જન થશે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારતલ્લના સંકલ્પને ચરિતાર્થ કરવામાં આ પોલીસી કડીરૂપ ભૂમિકા ભજવશે.૩૫ લાખ જેટલાં લઘુ ઉદ્યોગો ધરાવતાં ગુજરાતમાં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વધુ બળ મળે તેમજ નવા એકમો સરળતાથી ચાલુ થાય તે દિશામાં લેવાયેલાં મહત્વપૂર્ણ કદમ આવકાર્ય છે.

             સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં, અન્ય દેશની ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનના એકમોનું સ્થળાંતર કરવા વિચારણા કરી રહી છે.ત્યારે આવી કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદનના એકમ સ્થાપે તે માટે કેસ ટુ કેસ વિશેષ ઇન્સેન્ટિવ્સ આપવાની જાહેરાત પણ આવકાર્ય છે.આ પગલાંથી ગુજરાત ઘણી કંપનીઓના એકમ સ્થાપવાનું પસંદગીનું સ્થળ બનશે અને રોજગારી વધશે. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૯માં સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪% રહ્યો છે.ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના ૧૭% હિસ્સા સાથે ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસના પથ પર સતત અગ્રેસર છે, ભાજપાના શાસનમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહેશે.

(9:48 pm IST)