Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સિવિલ પ્લાઝમા કલેક્શન મોબાઇલવાનનો આરંભ

પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત માટે આશીર્વાદરૂપ : ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પરથી પ્લાઝમા ડોનેટ વિશેની માહિતી મળશે,ડોનરને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે

અમદાવાદ,તા.૭ : કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર કરવાના હેતુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા આજે 'પ્લાઝમા કલેક્શન મોબાઈલવાનલ્લ નો શુભારંભ સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ.પ્રભાકરના હસ્તે કરવામાં આવ્યો છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલાં દર્દીઓનાં ઘર આંગણેથી જ પ્લાઝમા એકત્ર કરવામાં મદદરૂપ બનશે.આ માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છતા ડોનર ઉપરોક્ત મોબાઈલ નંબર પર એપોઈમેન્ટ પણ લખાવી શકશે.

             પ્લાઝમા ડોનેટ કરનાર તમામ ડોનરને સર્ટિફેક્ટ પણ આપવામાં આવશે. મોબાઈલ બ્લડ બેંકમાં જ પ્લાઝમા એકત્ર કરવા માટેનું "એફેરેસિસ મશીન" રાખવામાં આવ્યું છે.  રૂ. ૧૬ લાખના ખર્ચે આ મશીનને ખરીદવામાં આવ્યું છે. સિવિલ  હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે કોવિડનાં સ્વસ્થ થયેલાં દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે તે જરૂરી છે. પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થયેલાં લોકો પાસેથી પ્લાઝમા એકત્ર કરવા માટે 'પ્લાઝમા કલેક્શન મોબાઈલ વેનલ્લ શરૂ કરવામાં આવી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીએ કહ્યું કે "કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબ જ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે પ્લાઝમા ડોનર સરળતાથી ડોનેટ કરી શકે તે માટે આ મોબાઈલ વેનની શરૂઆત કરવામાં આવી છે".

(9:49 pm IST)