Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પોરના શિક્ષકની સસ્પેન્સન સામે હાઇકોર્ટમાં અરજી

શિક્ષણમંત્રી સામે ટિપ્પણી કરી હતી : હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે જસ્ટિસ વૈષ્ણવે આ અંગે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે

અમદાવાદ,તા.૭ : કોરોના લોકડાઉન દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાઇમરી શાળાના શિક્ષકોને કોરોનાની કામગીરીમાં ઉપયોગ કરવા બાબતે શિક્ષણ પ્રધાનના નિવેદન સામે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાતા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે જસ્ટિસ બીરેન વૈષ્ણવે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.વડોદરાના પોર ગામમાં શિક્ષકે કોરોના કાળમાં શિક્ષકોને ઉપયોગ કરવા બાબતે શિક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. શિક્ષકે આ સસ્પેન્શનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે.

               શિક્ષક અને અરજદાર જીગ્નેશ પટેલ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોના સમયમાં તેઓ ખૂબ જ તણાવમાં હોવાથી આ પ્રકારની ટિપ્પણી ફેસબુક પર કરી હતી. જોકે તેમણે આ અંગે લેખિતમાં માફી પણ માગી લીધી છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ સમગ્ર કેસની વિગત એવી છે કે વડોદરાના પોર ગામની પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયેલા જીગ્નેશ પટેલ જૂલાઈ મહિનામાં શિક્ષણ પ્રધાનના નિવેદન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાઇમરી શિક્ષણ વિભાગ દ્વારા તેમણે આ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં લેખિતમાં માફી માગી લીધા બાદ પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

(9:50 pm IST)