Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેક્નોસેવી ચોરને દબોચ્યો : વૈભવી કાર ચોરીની ગજબ ટેક્નિક અજમાવતો :4 રાજ્યોમાં નેટવર્ક

સીમકાર્ડ વગર મોબાઈલનો ઉપયોગ કરતો! : આરોપી જીઓના ડોંગલથી વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ કરી એપ્લિકેશન વાપરી ફોન કરતો: 17 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો

અમદાવાદ : વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ અજમાવતા ટેક્નોસેવી ચોર (techno savvy thief) ની ક્રાઇમ બ્રાન્ચે રૂ. 17 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી ચાર રાજ્યમાં કાર ચોરીનું નેટવર્ક ધરાવે છે. કારની ચોરી માટે આરોપી સર્વિસ સેન્ટરમાં પડેલી કારમાં જીપીએસ ફીટ કર્યા બાદ તે કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવી આરોપી કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે GPSથી કારનું લોકેશન જાણી ચોરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા, પીએસઆઈ એસ.પી.ગોહીલ અને એ.પી.જેબલીયાની ટીમે બાતમીના આધારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગુરુવારે સત્યેન્દ્રસિંગ ઉર્ફે દક્ષ ઉર્ફે સંજયસિંહ ઇન્દ્રસિંહ શેખાવતને ચોરીની રૂ.15 લાખની સફેદ સ્કોર્પિયો કાર સાથે ઝડપ્યો હતો.

આરોપી પાસેથી રૂ.2 લાખનું ચાવી બનાવવાનું ઇલેક્ટ્રોનિક મશીન વાયર ટુલ્સ સાથેનું, પાંચ જીપીએસ રૂ.20 હજાર, પાવર સપ્લાય રૂ. 4 હજાર, જીઓ કંપનીના વાઇફાઇ ડોગલ બે રૂ.3 હજાર, 3 મોબાઈલ રૂ.9 હજાર અને 4 ચીપ અને 5 ચાવી મળી કુલ રૂ.17,37,900નો મુદ્દામાલ પકડાયો હતો.

જીતેન્દ્રએ પોલીસ તપાસમાં ગાજીયાબાદથી સ્કોર્પિયો કાર ચોર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત રાણીપથી 1, ગાંધીનગરથી 1, રાજસ્થાન બિકાનેરથી 1અને બેગ્લોરથી 3 મળી કુલ 6 સ્કોર્પિયો કાર ચોરી, જામનગરથી ફોર્ચ્યુનર, વડોદરાથી કીયા સેન્ટોસા, ચેન્નાઈથી મર્સીડીઝ અને દીવથી ફોર્ચ્યુનર કાર મળી કુલ 12 જેટલી કાર ચોરીની કબૂલાત કરી હતી.

જીતેન્દ્રસિંગ વૈભવી કારના સર્વિસ સેન્ટરમાં જતો હતો. જ્યાં ગાર્ડની નજર ચૂકવી કારમાં જીપીએસ મુકતો હતો. કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરતો અને ત્યાંથી નીકળી જતો હતો. બાદમાં સ્કેન ડેટાના આધારે કી કટર મશીનમાં બ્લેન્ક ચાવી નાંખી સ્કેન કરેલા ડેટા મુજબ ડુપ્લીકેટ ચાવી બનાવતો હતો. કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે તેમાં મુકેલ જીપીએસ આધારે કારનું લોકેશન મેળવી લેતો હતો. જે તે જગ્યાએ કાર પડી હોય ત્યાં પહોંચી કારની ચોરી કરતો હતો.

જીતેન્દ્રએ ઓનલાઈન કી કટીંગ મશીન, કી સ્કેનર અને કી ડેટા સ્કેનર મશીન રૂ.2 લાખમાં ઓનલાઈન ખરીદ કર્યા હતા. બાદમાં યુ ટયુબ પર ચાવી બનાવવાના વીડીયો જોઈ ડુપ્લીકેટ ચાવી બનાવતા શીખ્યો હતો.

જીતેન્દ્ર પોલીસથી બચવા સીમકાર્ડ વગર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. આરોપી જીઓના ડોંગલથી વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ કરી લાઈન,વાઈબર અને વોટ્સએપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી મેસેજ અને ફોન કરતો હતો.

(9:23 pm IST)