Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બાર કાઉન્સીલના ચેરમેન તરીકે કિરીટ બારોટની નિમણૂંક

વાઈસ ચેરમેન તરીકે શંકરસિંહ ગોહિલની નિમણૂંક : ભાજપ લીગલ સેલના કન્વીનરે બાર કાઉન્સીલ ગુજરાતમાં સમરસ પેનલના હોદ્દેદારોની નિમણૂંકને આવકારી હતી

અમદાવાદ,તા.૬ :  ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે યોજાયેલ આંતરિક ચૂંટણીઓમાં ચેરમેન તરીકે નડિયાદના કીરીટ બારોટ, વાઈસ  ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ અને એકઝિકયુટિવ ચેરમેન તરીકે અમદાવાદના ભરત ભગતની સર્વસંમતિથી નિમણૂંક કરવામાં આવી છે. એનરોલમેન્ટ કમિટિના ચેરમેન તરીકે મોડાસાના હરીભાઈ પટેલ, ફાયનાન્સ  કમિટિના ચેરમેન તરીકે મહેસાણાના કિશોર ત્રિવેદી, રુરલ કમિટિના ચેરમેન તરીકે ભાવનગરના અનિરુધ્ધસિંહ ઝાલા,જીસીએલ કમિટિના ચેરમેન તરીકે  વલસાડના પ્રવિણ પટેલ અને શિસ્ત કમિટિના ચેરમેન તરીકે અમદાવાદના અનિલ સી,કેલ્લાની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ ક્રીમીનલ કોર્ટસ બાર એસો.ના ઉપપ્રમુખ હસમુખ ચાવડાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કુલ ૮૮,૦૦૦ હજાર વકીલો નોંધાયેલા છે. દર પાંચ વર્ષે બાર કાઉન્સીલની ચૂંટણીઓ યોજાય છે.

              દર વર્ષે ચેરમેને,વાઈસ ચેરમેન સહિતના હોદ્દેદારોની આંતરિક ચૂંટણીઓ યોજાય છે.જેમાં સમરસ પેનલ છેલ્લા વીસ વર્ષથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીઓમાં વચસ્વ ધરાવે છે.ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે જણાવ્યુ છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સહિતના હોદ્દેદારોની આજે સર્વસંમતિથી નિમણંકો કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારો વકીલોના હિત માટે સતત કાર્યરત છે. કોરોનામાં કોર્ટોમાં કામકાજ બંધ રહેવાથી વકીલોને ભારે હાલાકી ભોગવી પડી છે. જેના માટે સરકારમાં વકીલોને આત્મનિર્ભર યોજનામાં સમાવેશ કરીને ત્રણ  લાખ સુધીની લોન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન તરીકે અનિલ સી. કેલ્લા અને એકઝિકયુટિવ ચેરમેન તરીકે અમદાવાદના ભરત ભગતની નિમણૂંક કરવા બદલ અમદાવાદ ક્રીમીનલ કોર્ટસ બારના હોદ્દેદારોએ આવકારી છે.

(9:48 pm IST)